બાંગ્લાદેશે ફરી એકવાર ભારત સાથેની સરહદ પર ગંદી રમત રમવાનો પ્રયાસ કર્યો છે. જોકે BSF દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બાંગ્લાદેશ સરહદ પર શૂન્ય રેખા(જીરો લાઇન) નજીક બંધના પુન:ર્નિર્માણ કરી રહ્યું હતું. આ બંધનો કેટલોક ભાગ આંતરરાષ્ટ્રીય સરહદના શૂન્ય રેખા વિસ્તારમાં આવે છે. આ સંદર્ભે BSFનું ધ્યાન જતાં કામ બંધ કરાવી દીધું હતું.
સરહદ ‘ઝીરો લાઇન’ પર બંધનું પુન:ર્નિર્માણ
અહેવાલ મુજબ ત્રિપુરા સરકાર બંને દેશો વચ્ચેના સંયુક્ત નદી પંચની આગામી બેઠકમાં બાંગ્લાદેશ દ્વારા બંધના પુનર્નિર્માણનો મુદ્દો ઉઠાવશે, જેનો એક ભાગ આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘ઝીરો લાઇન’ પર આવે છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ત્રિપુરાના રંગૌતી વિસ્તાર નજીક મૌલવીબજાર જિલ્લાના અલીનગર ખાતે એક વિશાળ બંધનું નિર્માણ કરી રહ્યું છે અને આ માળખાનો કેટલોક ભાગ ‘શૂન્ય રેખા’ પર છે, જેના કારણે ઉત્તરપૂર્વીય રાજ્યના ઉનાકોટી જિલ્લાના સરહદી ઉપવિભાગ કૈલાશરના લોકોને અસુવિધા થઈ રહી છે અને લોકોનો આ બાબતે વ્યાપક ગુસ્સો છે. જળ સંસાધન વિભાગના મુખ્ય ઇજનેર સુધન દેબબર્માએ આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશ સરકારે શૂન્ય રેખા પર સ્થિત પાળાના ભાગોના પુનઃનિર્માણ માટે ભારતીય અધિકારીઓની સંમતિ પણ લીધી ન હતી.
કોઈ પણ પરવાનગી વિના 200 મીટર બાંધકામ કર્યું
મુખ્ય ઇજનેરના જણાવ્યું મુજબ બાંગ્લાદેશ સરકારે અલીનગર ખાતેના પાળાનું સમારકામ શરૂ કર્યું છે કારણ કે ગયા ચોમાસામાં તેની રચનાને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર સમારકામ દરમિયાન તેઓએ શૂન્ય રેખા પર છ કિલોમીટર લાંબા બંધમાંથી લગભગ 200 મીટરનું બાંધકામ વધાર્યું છે. બાંગ્લાદેશ સરકારે અમારી પાસેથી કોઈ પરવાનગી લીધી નથી અને આ સંયુક્ત નદી આયોગની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે.
સંયુક્ત નદી આયોગની બેઠકમાં આ મુદ્દો ઉઠાવાશે
મુખ્ય ઇજનેરે વધુમાં કહ્યું કે ભારતીય પક્ષના વાંધાને પગલે બંધના સમારકામનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને બીએસએફને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મામલો સુમેળભરી રીતે ઉકેલાય નહીં ત્યાં સુધી ‘ઝીરો લાઇન’ પર કોઈપણ કામ કરવાની મંજૂરી ન આપે. ‘ઝીરો લાઇન’ સરહદી થાંભલાથી બંને દેશોના પ્રદેશોમાં 150 યાર્ડ સુધી વિસ્તરે છે. સામાન્ય રીતે, ‘ઝીરો લાઇન’ પર કોઈપણ માળખાના બાંધકામની મંજૂરી નથી, પરંતુ આ પરસ્પર સંમતિથી થઈ શકે છે. દેબબર્માએ કહ્યું, “રાજ્ય સરકાર માર્ચમાં કોલકાતામાં યોજાનારી સંયુક્ત નદી આયોગની બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે.”


