બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે લોકપ્રિય અભિનેત્રી નુસરત ફારિયાને રવિવારે સવારે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તે થાઇલેન્ડ જવાની તૈયારી કરી રહી હતી. ફારિયા પર 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંસા ભડકાવવા અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
ઇમિગ્રેશન અધિકારીઓએ જણાવ્યું હતું કે વાટારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ફારિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. તેણી કથિત રીતે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સામેલ હતી જેના પર હવે બાંગ્લાદેશ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હિંસાના કારણે દેશવ્યાપી અરાજકતા ફેલાઈ
ફારિયા પર શેખ હસીનાના સમર્થકો દ્વારા સંચાલિત આંદોલનોનો સામનો કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો અને હિંસક અથડામણોને પરોક્ષ રીતે ટેકો આપવાનો આરોપ છે. આ આંદોલનો દરમિયાન થયેલી હિંસાના કારણે દેશવ્યાપી અરાજકતા ફેલાઈ ગઈ જેના પછી શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું અને તેમને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.
ફારિયાની પૂછપરછ થઈ
બદ્દા ઝોનના સહાયક પોલીસ કમિશનર શફીકુલ ઇસ્લામે ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું કે ફારિયાને પહેલા વાટારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચ (DB)ને સોંપવામાં આવી હતી જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં ફારિયાની ધરપકડને બાંગ્લાદેશની વર્તમાન સરકાર દ્વારા શેખ હસીના સમર્થકો સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગ રૂપે ગણવામાં આવી રહી છે. નિષ્ણાતો માને છે કે દેશમાં લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોની ભૂમિકા અંગે વાતાવરણ અત્યંત સંવેદનશીલ બની રહ્યું છે.
આ ફિલ્મમાં નુસરત ફારિયાએ ભૂમિકા ભજવી
નુસરત ફારિયાની ગણતરી બાંગ્લાદેશની અગ્રણી યુવા અભિનેત્રીઓમાં થાય છે. તેણીએ રેડિયો જોકી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2015માં બાંગ્લાદેશ-ભારત સંયુક્ત ફિલ્મ આશિકી: ટ્રુ લવ સાથે અભિનયમાં પ્રવેશ કર્યો હતો. તેણીની સૌથી પ્રખ્યાત ભૂમિકા 2023 ની બાયોપિક મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશન હતી જેમાં તેણીએ શેખ હસીનાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ભારતીય દિગ્દર્શક શ્યામ બેનેગલે કર્યું હતું.