સમાજના શ્રેષ્ઠિઓ અને અગ્રણીઓનો એક જ સૂર.. ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ સમગ્ર રાજકોટનો ઉત્સવ બનશે
અગ્ર ગુજરાત, રાજકોટ
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આવનારા દિવસો તારીખ ૧૧ થી ૧૭ એપ્રિલ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ જેમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત અને આંતરરાષ્ટ્રીય વક્તા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી વિધ-વિધ વિષયો ઉપર રાજકોટવાસીઓને અનેરી પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરું પાડશે. આ મહોત્સવ અંતર્ગત તા.૨૯ માર્ચ, રવિવારના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ રાજકોટ ખાતે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન શહેરના વિવિધ અગ્રણીઓનો ‘એકતા સમારોહ’ યોજવામાં આવ્યો હતો.
આ સમારંભના પ્રારંભિક તબક્કામાં પૂજ્ય અપૂર્વમુની સ્વામી એ ‘UNITY IN DIVERSITY’ કહેતા વિવિધતામાં એકતા વિષયક પ્રેરણાદાયી વક્તવ્યથી વર્તમાન સમયમાં ચાલતા પ્રશ્નો, સમસ્યાઓ અને કઠિનાઈઓ વચ્ચે કેવી રીતે એકતા રાખી સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ તરફ આગળ વધવાનું છે તે અનુરૂપ અદભુત માર્ગદર્શન રસપ્રદ વીડિયો સાથે પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ આ સમારોહમાં ઉપસ્થિત શહેરના અનેક સમાજના અગ્રણીઓએ એકતાના ભાવ સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવથી રાજકોટને પ્રકાશિત કરવા અને તેમાં સાથ-સહકાર આપવા માટે કટિબદ્ધ બની પૂજ્ય સંતો સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું.
રાજકોટ શહેરના અનેક અગ્રણીઓએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભેદભાવ રહિત અને માનવ માત્રના ઉત્કર્ષના આ કાર્યમાં જોડાવા માટે સહુ કોઈને અપીલ કરી હતી. આ સમારોહના અંતમાં ઉપસ્થિત અગ્રણીઓને સન્માનવામાં આવ્યા હતા. એકતાના સંદેશની સુરાવલીઓ સાથે અને માનવ ઉત્કર્ષ મહોત્સવને સફળ બનાવવાના સંકલ્પ સાથે આ સમારોહ પૂર્ણ થયો હતો.ધ


