બાસ્કેટબોલ ફોડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા ભાવનગરના સિદસર ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આગામી વર્ષની પાંચમીથી 12મી જાન્યુઆરી સુધી 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટમાં મેન્સની 31 તથા વિમેન્સની 28 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં લીગ તબક્કાની કુલ 117 તથા નોકઆઉટની કુલ બાવન એમ ટોટલ 169 મેચો રમાશે. વિજેતા ટીમને પાંચ લાખ રૂપિયાના પુરસ્કાર સહિત ટૂર્નામેન્ટમાં અંદાજે 20 લાખ રૂપિયાના પ્રાઇઝમની રાખવામાં આવ્યા છે. મેન્સમાં કુલ છ ગ્રૂપ છે અને પ્રત્યેકમાં રેન્કિંગના આધારે ગ્રૂપમાં સ્થાન અપાયું છે. મેન્સમાં ગુજરાતની ટીમ 14મા તથા વિમેન્સ ટીમ 10મા ક્રમે છે. જીએસબીએના પ્રમુખ તથા બીએફઆઇની પસંદગી સમિતિના ચેરમેન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટના આધારે ઇન્ટરનેશનલ સ્તરે રમાનારી ટૂર્નામેન્ટ માટે મેન્સ તથા વિમેન્સની ટીમો પસંદ કરવામાં આવશે. તે પહેલાં તેમના માટે પ્રી-કન્ડિશનિંગ કેમ્પ યોજવામાં આવનાર છે. ગુજરાતની વિમેન્સ ટીમ છેલ્લા કેટલાક વર્ષથી સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરીને આગળ વધી રહી છે. જીએસબીએના ઓનરરી સેક્રેટરી શફિક શેખે જણાવ્યું હતું કે આઠ દિવસની ટૂર્નામેન્ટ ગુજરાતની રમતોમાં વિશેષ આકર્ષણ બની રહેશે. ગુજરાતની બંને ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની અલગ ઓળખ ઊભી કરશે તેવી આશા છે.


