શ્રી રસરાજ પ્રભુજીના ઉત્સવો વૈષ્ણવ સંપ્રદાયમાં આખું વર્ષ અવિરતપણે ઉજવાતા હોય છે, વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં આનંદ, ઉલ્લાસ અને ભક્તિરસની છોળો અવિરત ઊછળતી હોય છે. આ ઉત્સવોમાં પ્રભુની સેવા ખૂબ જ નિયમબદ્ધ રીતે અને વ્યવસ્થિત કરવામાં આવે છે.
આપણા પરંપરાગત રીતરિવાજ મુજબ પ્રભુનાં વસ્ત્રો-આભૂષણો, શણગાર, ગીત, સંગીત, શ્રીજીને અર્પણ કરાતો ભોગ, પ્રભુનાં ગવાતાં પદો અને ધાર્મિક વિધિનું ચોકસાઇપૂર્વકનું આયોજન કરવામાં આવે છે. અહીંની એક એક વસ્તુ પાછળ ધર્મની સાથે સાથે કલા, સંસ્કૃતિ અને વૈભવનાં દર્શન થાય છે.
રસરાજ પ્રભુજીનો જ્યેષ્ઠાભિષેક જેઠ સુદ પૂનમના રોજ જ્યેષ્ઠા નક્ષત્રમાં વાજતેગાજતે વેદોક્ત મંત્રોચ્ચાર અને શંખમાં તુલસીદલ તથા પવિત્ર નદીઓનાં જળ પધરાવીને શ્રીરસરાજ પ્રભુજીને દૂધથી કેસર સ્નાન કરાવવામાં આવે છે. શંખનાદ, ઘંટા, ઝાલર, મૃદંગ અને તંબૂરાના સૂર તેમજ કીર્તનની સાથે સાથે જ્યેષ્ઠાભિષેક ઉપનિષદનો પાઠ કરવામાં આવે છે. શ્રીઠાકોરજીને ફક્ત ધોતી-ઉપરણાં ચંદનની કિનારીવાળા અને આછા શૃંગાર મોતીના ધરાવવામાં આવે છે. સ્નાન બાદ વધેલા જળને પરાંતમાં પધરાવવામાં આવે છે. પછી ટેરો લાવી પ્રભુને અંગ વસ્ત્ર કરી શૃંગાર ભોગ, ઝારી અને બીડાં ધરાવવામાં આવે છે. શ્રીજીને અતિ વહાલી નજરાણારૂપી ભેટમાં ઉત્તમોત્તમ કેરીઓ અંગીકાર કરવામાં આવે છે. આ દિવસે કેરીનો મનોરથ કરવાથી શ્રીજી ખૂબ જ ખુશ થાય છે. શ્રીયમુનાજીનાં પદ ગવાય છે અને જળના મનોરથો સ્નેહપૂર્વક અંગીકાર કરવામાં આવે છે. જલવિહાર નાવમાં પ્રભુને બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવે છે.
જ્યેષ્ઠાભિષેકની નિકુંજ ભાવના
આ પવિત્ર સ્નાનયાત્રા પાછળ નિકુંજ ભાવના એ છે કે, એક દિવસ નંદબાબાને વિચાર આવ્યો કે હવે હું વૃદ્ધ થયો છું જેથી મારું રાજપાટ મારા પુત્ર શ્રીકૃષ્ણને સોંપીને વ્રજના રાજા તરીકે રાજ્યાભિષેક કરી દઉં. નંદબાબાએ તાબડતોબ સભા ભરીને કુળગુરુ ગર્ગાચાર્યજી અને વિદ્વાન પંડિતોને બોલાવ્યા અને રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવતાં જેઠ સુદ પૂનમનું શુભ મુહૂર્ત આવ્યું. નંદબાબાએ બધા જ વ્રજવાસીઓ, પંડિતો, ઋષિમુનિઓ, રાજા મહારાજાઓને સ્નેહભર્યું આમંત્રણ પાઠવ્યું. રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓનાં જળ મંગાવ્યાં. વ્રજનાં ગોપ-ગોપાંગનાઓ દૂધથી છલોછલ દેગડા લઇને હર્ષભેર રાજ્યાભિષેક નિહાળવા પધાર્યાં. જેઠ સુદ પૂનમના રોજ શાહી ઠાઠ વચ્ચે જ્યેષ્ઠા નક્ષત્રમાં સૂર્યોદય પહેલાં શ્રી રસરાજ પ્રભુજી શ્રીકૃષ્ણને સફેદ ધોતી ઉપરણાં પહેરાવીને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા. વ્રજવાસીઓએ શરણાઈના સૂર રેલાવ્યા. કુળગુરુ ગર્ગાચાર્યજીએ અને પંડિતોએ ઠાકોરજીને શંખમાં તુલસીદલ પધરાવી પવિત્ર નદીઓનાં જળ અને દૂધથી કેસરસ્નાન કરાવીને વૈદિક મંત્રોચ્ચાર કર્યો. આ અભિષેક જ્યેષ્ઠ નક્ષત્રમાં થવાથી તે જ્યેષ્ઠાભિષેક કહેવાયો. આખાયે વ્રજમાં આનંદ સમાતો નહોતો. વ્રજવાસીઓએ અબીલ ગુલાલની છોળો ઉડાવીને નાચગાન કરવા લાગ્યા અને મીઠાઇ વહેંચી મોં મીઠું કરાવ્યું. વ્રજ રાજકુંવર શ્રીકૃષ્ણને મહારાજાધિરાજ બન્યાની ખુશીમાં નજરાણા રૂપી ઉત્તમોત્તમ હજારો મણ કેરી પ્રભુને અંગીકાર કરાવી નવાજ્યા. પ્રભુએ વ્રજવાસીઓની સાથે જલક્રીડા તથા નાવખેલન લીલા કરી હતી. જેથી પરંપરાગત આ ઉત્સવ વૈષ્ણવ મંદિરોમાં ઊજવાય છે.
જગન્નાથપુરી-અમદાવાદની પરંપરાગત જળયાત્રા
જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાથી વિધિવત્ રથયાત્રાની શરૂઆત થઈ જાય છે. જગન્નાથપુરીમાં આ દિવસે પ્રાતઃકાળે વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિરના મહંતશ્રીની નિશ્રામાં ત્રણેય કાષ્ઠની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવિધિ માટે વાજતેગાજતે ઢોલ-નગારાં, કરતાલ, ધજાપતાકા, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ શંખ સાથે લઇ જવામાં આવે છે. સાધુ-સંતો અને ભાવિક ભક્ત સમુદાયની હાજરીમાં જયકારા સાથે મૂર્તિઓને દૂધથી કેસરસ્નાન કરાવવામાં આવે છે. કેસરસ્નાન બાદ પવિત્ર નદીઓના 108 ઘડાથી જળસ્નાન કરાવવામાં આવે છે. જળસ્નાન બાદ યાત્રા નિજમંદિરમાં પરત આવે છે.
શ્રદ્ધાની પરિસીમા તો જુઓ કે સર્વ દુઃખો તેમજ આધિ-વ્યાધિને હરી લેનાર સ્વયં જગતના નાથને આ સ્નાનવિધિથી શરદી થઇ જાય છે ને આ શરદીનો ઇલાજ પણ સેવાચાકરીથી થાય છે. મંદિરના પૂજારીશ્રી ડૉક્ટરની ભૂમિકા ભજવીને ભગવાન જગન્નાથજીનો એક દર્દી તરીકે ઇલાજ કરવામાં આવે છે. ભગવાનને હળવા પૌષ્ટિક આહારની સાથે ઔષધો ધરાવવામાં આવે છે. જે સહુ કોઇની લાજ રાખે તેનો ઇલાજ શ્રદ્ધાવાનો ગદગદ ભાવ સાથે કરે છે. શ્રદ્ધાપૂર્વક આ દરમિયાન ભાવિક ભક્તજનો આંખોમાં શ્રદ્ધાના દીપ પ્રગટાવી ભાવપૂર્વક દર્શનાર્થે આવે છે અને શરદીથી ત્રસ્ત શ્રી જગન્નાથજીની લાગલગાટ પંદર દિવસ સુધી સેવા-સુશ્રૂષા કરવામાં આવે છે. ત્યારબાદ જગતનિયંતા પુનઃ સ્વસ્થ થાય છે અને વિધિવત્ ફરી પૂજા પ્રારંભાય છે.
તો વળી અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં એક અન્ય વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનું ષોડ્શોપચાર પૂજન કરી તેઓને શૃંગારમાં અલંકૃત વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે પધારે છે અને તે સમયે મંદિરમાં મૂર્તિના સ્થાને છબી ગોઠવવામાં આવે છે. મોસાળથી ભગવાન અમાસના દિવસે નિજમંદિરમાં પાછા ફરે છે ત્યારે તેમની ઉમળકાભેર વધામણીની સાથે મંદિરમાં કાળી રોટી ધોળી દાળનો ભવ્ય ભંડારો થાય છે. હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવે છે. આગામી અષાઢી બીજના દિવસે હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળશે ત્યારે જય રણછોડ… માખણચોરના… નાદથી આપણે સૌ હર્ષભેર વધાવી લઇશું.