- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટિકિટો સંબંધિત માહિતી શેર કરી
- વર્લ્ડકપ 2023ના નોકઆઉટ મુકાબલા માટે ટિકિટ બુકિગ શરૂ
- 9 નવેમ્બરે રાત્રે 8:00 વાગ્યાથી ટિકિટ બુકિગ શરૂ થશે
ICC મેન્સ વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ છે. ચાહકો દરેક મેચનો આનંદ લેવા મેદાનમાં પહોંચી રહ્યા છે. હાલમાં ટૂર્નામેન્ટનો લીગ તબક્કો ચાલી રહ્યો છે. આ પછી નોકઆઉટ મેચો શરૂ થશે. નોકઆઉટ મેચો શરૂ થાય તે પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટિકિટો સંબંધિત માહિતી શેર કરી છે. બોર્ડે કહ્યું છે કે 9 નવેમ્બરે રાત્રે 8:00 વાગ્યાથી ચાહકો સત્તાવાર વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર જઈને ટિકિટ બુક કરાવી શકે છે.
વર્લ્ડકપ 2023ની નોકઆઉટ મેચો ક્યારે શરૂ થશે?
વર્લ્ડકપ 2023ની નોકઆઉટ મેચો 15 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. આ મેચ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડકપ 2023ની ફાઇનલ મુકાબલો 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળશે.
કઇ ત્રણ ટીમોને સેમિફાઇનલ માટે ટિકિટ
વર્લ્ડકપ 2023 ની 40 મેચો પછી, ત્રણ ટીમોએ સેમિફાઇનલ પોતાની જગ્યા બનાવી લીધી છે. જેમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના નામ સામેલ છે. આ ઉપરાંત હાલમાં ચોથી ટીમ માટે ત્રણ ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમોના નામ સામેલ છે.
આ ચાર ટીમો સેમિફાઇનલની રેસમાંથી બહાર
ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમો વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હાલ ભારતીય ટીમ 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. સાઉથ આફ્રિકા બીજા સ્થાને, ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે.


