- એક વાર આપણા વિચારો અને લાગણીઓ એક રેખામાં આવી જાય તો આપણી ઊર્જાઓ પણ એ પ્રમાણે ગોઠવાઈ જશે
જો આપણે ઇચ્છતા હોઈએ કે જીવન આપણી ઇચ્છા પ્રમાણે ઘટિત થાય, તો સૌથી પહેલી અને મુખ્ય જરૂરિયાત એ છે કે આપણે સ્પષ્ટતા કેળવીએ કે આપણે ખરેખર શું ઇચ્છીએ છીએ. જો આપણને એ જ ખબર ન હોય કે આપણને શું જોઈએ છે, તો તેને મેળવવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આપણા જીવનના દરેક તબક્કે આપણે એવું વિચારીએ છીએ કે, `બસ, આ જ છે. જો આ એક વસ્તુ થઈ જાય, તો મારા જીવનમાં બધું સરસ થઈ જશે.’ તમે ત્યાં પહોંચો છો અને તમને ખ્યાલ આવે છે કે આ `તે’ નથી અને તમે બીજું કંઈક અને બીજું કંઈક કરવા માટે તેને આગળ ઠેલવતા રહો છો. આવું સતત થતું રહે છે. જો આપણે જોઈએ કે આપણે ખરેખર શું ઇચ્છીએ છીએ, દરેક માણસ આનંદથી અને શાંતિથી જીવવા માંગે છે અને જ્યારે સંબંધોની વાત આવે ત્યારે માણસ પ્રેમાળ, સ્નેહભર્યા સંબંધો ઇચ્છે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ મનુષ્ય બસ સુખ જ શોધી રહ્યો છે, પોતાની અંદર અને આસપાસ. જો આપણું શરીર સુખદ હોય, તો આપણે તેને સ્વાસ્થ્ય અને સુખ કહીએ છીએ. જો આપણું મન સુખદ હોય, તો આપણે તેને શાંતિ અને આનંદ કહીએ છીએ. જો આપણી લાગણીઓ સુખદ હોય, તો આપણે તેને પ્રેમ અને કરુણા કહીએ છીએ. જો આપણી ઊર્જાઓ સુખદ હોય, તો આપણે તેને પરમાનંદ કહીએ છીએ. જો આપણે અંદર એક સુખી માનવી અને બહાર એક શાંતિપૂર્ણ અને પ્રેમાળ દુનિયા બનાવવા માંગતા હોઈએ, તો તેનો સામનો કરવાનો અને તેને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ થવાનો આ જ સમય છે.
આ માટે, આપણે બસ આપણી અંદર શાંતિપૂર્ણ, આનંદિત અને પ્રેમાળ બનવાની જરૂર છે. દરેક દિવસ, આપણે આપણા મનમાં વિચારની આ સરળ સ્પષ્ટતા સાથે શરૂ કરવો જોઈએ કે આજે આપણે જ્યાં પણ જઈશું, ત્યાં આપણે એક શાંતિપૂર્ણ, પ્રેમાળ અને ખુશખુશાલ દુનિયા બનાવીશું. જો આપણે દિવસમાં સો વખત નીચે પડીએ, તો તે સો પાઠ શીખ્યા બરાબર છે. એક પ્રતિબદ્ધ માણસ માટે નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ નથી હોતી. આપણા માટે જે ખરેખર મહત્ત્વનું છે તેનું નિર્માણ કરવા માટે જો આપણે પોતાની જાતને આ રીતે પ્રતિબદ્ધ કરીએ, તો આપણું મન તે રીતે ગોઠવાશે. એક વાર આપણું મન વ્યવસ્થિત ગોઠવાઈ જાય, પછી આપણી લાગણીઓ તે રીતે ગોઠવાઈ જશે. આપણે જે રીતે વિચારીએ છીએ તે રીતે આપણે અનુભવીએ છીએ. એક વાર આપણા વિચારો અને લાગણીઓ એક રેખામાં આવી જાય તો આપણી ઊર્જાઓ પણ એ પ્રમાણે ગોઠવાઈ જશે. એક વાર આપણા વિચારો, લાગણીઓ અને ઊર્જાઓ એક રેખામાં આવી જાય પછી આપણું શરીર પણ તે મુજબ ગોઠવાઈ જશે. એક વાર આ ચારેય એક દિશામાં ગોઠવાઈ ગયા, પછી આપણને જે જોઈએ છે તેનું નિર્માણ કરવાની અને તેને પ્રગટ કરવાની આપણી ક્ષમતા અસાધારણ થઈ જાય છે. ઘણી રીતે આપણે જ સર્જક છીએ.