- તાર્કિક મનની પ્રકૃતિ એવી છે કે તે મૃત્યુને તેના વિચારના ક્ષેત્રમાંથી બિલકુલ દૂર રાખવા માંગે છે
દરેક માણસે એક મહત્ત્વની વસ્તુ જે કરવાની જરૂર છે, તે છે તેમનું માનસિક અને ભાવનાત્મક માળખું તેમના જીવનના સૌથી મૂળભૂત તથ્ય – તેમની નશ્વરતાની આસપાસ ઘડવું. જ્યારે તમે આ કરશો ત્યારે જ તમે સ્વાભાવિક રીતે આધ્યાત્મિક પ્રક્રિયા માટે, ભૌતિકથી પરેના પરિમાણ માટે યોગ્ય બનશો. તમારા તાર્કિક મનની પ્રકૃતિ એવી છે કે તે મૃત્યુને તેના વિચારના ક્ષેત્રમાંથી બિલકુલ દૂર રાખવા માંગે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેમની માનસિક પ્રક્રિયાને અમરત્વના અર્થહીન વિચારની આસપાસ ઘડતા હોય છે – જાણે કે તેઓ હંમેશાં માટે રહેવાના હોય. દરરોજ, તેમના વિચારોમાં કોઈ એવું રિમાઇન્ડર નથી હોતું કે આ સમય સીમિત છે અને તમે બસ અગાઉની પેઢીથી આગામી પેઢી સુધી વચ્ચેનો એક સેતુ જ છો. અત્યારે લોકોને એ સમજવામાં એક આખું જીવન લાગી જાય છે કે તેઓ નશ્વર છે; એક હાર્ટ એટેક આવે અથવા તો ક્યાંક કેન્સરની ગાંઠ દેખાય ત્યારે જ તેમને તેની યાદ આવે છે.
તમારે તમારા જીવનની દરેક ક્ષણને ઉજવવાની અને માણવાની જરૂર છે, કારણ કે જીવન એક ક્ષણ માટે પણ તમારી રાહ નથી જોતું. તેથી તે ખૂબ જ અગત્યનું છે કે તમે આને એક આનંદિત અને અદ્ભુત પ્રક્રિયા બનાવો. જો તમે અમર હોત, તો તમે હતાશા, ચિંતા, ગાંડપણ અને દુઃખ દરેકના સો-સો વર્ષ માણી શકત અને પછી 500મા જન્મદિવસે, તમે આનંદિત બની શકત, પણ એવું નથી. તમે નશ્વર છો અને તે સતત ઓછું થઈ રહ્યું છે. આ કોઈ નિરાશાજનક દૃષ્ટિકોણ નથી, આ તો એક જીવનલક્ષી સંદેશ છે. જો તમે જાણતા હોવ કે જીવન એક ખૂબ જ સીમિત સમય છે તો જ તમે ખરેખર જીવનલક્ષી બની શકશો. દુ:ખી અને હતાશ થવું એ મૃત્યુલક્ષી છે, શું એવું નથી? તમારી પાસે આ બધી વસ્તુઓ માટેનો સમય અને અવકાશ એટલા માટે છે કે તમને લાગે છે કે તમે અમર છો. તો હતાશા, દુ:ખ, ચિંતા કે ગુસ્સા માટે કોઈ સમય નથી. કોઈ પણ દુઃખદ બાબત માટે આ જીવનમાં કોઈ સમય નથી.
જો તમને લાગતું હોય કે તમે અહીં હંમેશને માટે હશો, તો તમે જીવનને એકદમ અવગણશો, પોતાના માનસિક બકવાસમાં ફસાઈ જશો, જેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી, પણ જો તમને ખબર હોય કે આવતા એક કલાકમાં તમે મરવાના છો, તો તમે જીવનના દરેક નાના-નાના ભાગ પર ધ્યાન આપશો; તમે કંઈ પણ નહીં ચૂકો. જો તમે જાણતા હોવ કે તમે નશ્વર છો તો જ તમે ખરેખર આ જીવનને માણી શકો છો અને તેમાંથી આનંદપૂર્વક પસાર થઈ શકો. જો તમને સતત આની યાદ અપાવવામાં આવે, તો આ આખી જીવનપ્રક્રિયા માનસિક બકવાસ અને ભૌતિકતાથી દૂર થઈ જશે અને દરેક વસ્તુનો અનુભવ કરવા ઈચ્છશે. તે એકદમ સચેત બની જશે. તમારું જીવન સ્વાભાવિક રીતે પરેની વસ્તુની શોધ કરશે. આધ્યાત્મિક પ્રક્રિયા તમારા માટે વિકાસની કુદરતી પ્રક્રિયા બની જશે; એવી વસ્તુ નહીં કે જે પરાણે કરાવવી પડે.