- જામનગરમાં ખજૂરમાંથી જીવાત નીકળી
- આરોગ્ય વિભાગની ટીમ પહોંચી
- દિવાળી પહેલા જીવાતની ઘટનાથી હડકંપ
દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવતો જઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાંથી ખાણીપીણીની ચીજોમાંથી બેદરકારી, ગંદગી, મિલાવટ, ભેળસેળ જેવી ઘટનાઓની માહિતી સામે આવતી જઈ રહી છે. આ બધી ચીજોથી બજારમાં વેચાઈ રહેલી ખાણીપીણીની ચીજોની ગુણવત્તાએ સામાન્ય માણસને ચિંતામાં નાખી દીધો છે. જામનગરમાંથી વધુ એકવાર ખોરાકમાંથી જીવાત નીકળવાની માહિતી સામે આવી છે.
મહત્વનું છે કે આ વખતે વધુ એકવાર જામનગરની બોમ્બે નમકીનમાંથી ખરીદાયેલી ખજૂરમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સમાચારોમાં આવી છે. ખાસ કરીને આ વધુ એકવાર આવી ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જામનગર શહેરમાંથી ખાણીપીણીની ચીજોમાં જીવાત નીકળવા જેવી ઘટનાઓ બની ચૂકી છે. તેથી જ હાલમાં દિવાળીના સમયમાં જ્યારે લોકો ખજૂર, મીઠાઈ, નમકીન, મુખવાસ કે ફરસાણ જેવી ચીજો બહાર માર્કેટથી ખરીદતા હોય છે અથવા બહારની ખાણીપીણીની ચીજો આરોગતા હોય છે તેમને આ મામલે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. નહીં તો ઘણાં લોકોની દિવાળી હોસ્પિટલમાં થવાની શક્યતાઓ છે. એટલે કે ખરાબ કે નબળી ગુણવત્તાવાળી ચીજોની આરોગવાથી તબિયત લથડી શકે છે જેના લીધે લોકોને તહેવારોમાં હોસ્પિટલના ધક્કા વધી જતા હોય છે.
હાલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર નકલી અને મિલાવટી ખાણીપીણીની ચીજો પકડાઈ હોવાની ઘટનાઓ વધી જવા પામી છે. હાલના દિવસોમાં આમ પણ અત્યારે નાની ઉંમરે હાર્ટએટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે સ્વાસ્થ્યને લઈને નાની સરખી પણ બેદરકારી મોટું જોખમ બની શકે છે. તેથી લોકોએ બહારનું ખાતાપીતા પહેલા ચેતવું જરૂરી બની જાય છે. મહત્વનું છે કે જામનગરની ઘટનાની નોંધ આરોગ્ય વિભાગની ટીમોએ પણ લીધી છે અને આ મામલે તેમણે તપાસ પણ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આજે થયેલી કેબિનેટ બેઠકમાં પણ ગુજરાતમાં તહેવારો પહેલા ખાણીપીણીની ચીજોમાં મિલાવટ વધી જવાના ઘણાં કિસ્સાઓ સામે આવ્યા હોવાના મુદ્દે ચર્ચા થઈ હતી. આ બાબતની જાણકારી ખુદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાના સ્વાસ્થ્યની ચિંતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે કરી રહ્યા છે અને તેમણે આ મામલે ટેસ્ટિંગ વધારવાની સૂચનાઓ પણ આપી છે. આમ હાલ તહેવારના દિવસોમાં ટેસ્ટિંગ વધતા આગળ પણ મિલાવટી ચીજોની ઘટનાઓનો વધુ પર્દાફાશ થાય તો નવાઈ નહીં.


