26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં લગભગ 25,000થી વધારે લોકો હાજર હોય છે. અટારી બોર્ડર પર હાજર હજારો લોકો અને સૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આ કાર્યક્રમમાં ભારતીય જવાનોની બહાદુરી જોવા મળે છે. બીએસએફની ટુકડીઓએ પરેડમાં ભાગ લે છે.
તમને જણાવી દઈએ કે અટારી બોર્ડર અમૃતસર શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર આવેલી છે અને દરરોજ હજારો ભારતીયો, વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બીટિંગ રિટ્રીટ સેરેમની જોવા માટે જાય છે. બીએસએફના જવાનોની સાથે તેમના પાકિસ્તાની સમકક્ષ રેન્જર્સ પણ બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લે છે.
1959થી અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સમારોહનું આયોજન
11 ઓક્ટોબર 1947ના રોજ અટારી બોર્ડર પર પહેલીવાર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન પરંપરાગત રીતે 1959થી અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સમારોહનું આયોજન કરે છે અને આ કાર્યક્રમમાં બંને દેશોના લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે. બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં 60થી 120 મિનિટનો સમય લાગે છે. ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર અટારી-વાઘા સંયુક્ત ચેકપોસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ભારતીય બાજુ અટારી તરીકે ઓળખાય છે અને પાકિસ્તાની બાજુને વાઘા તરીકે ઓળખવામાં આવે છે. અટારી-વાઘા બોર્ડર પર આયોજિત આ સમારોહ માટે બંને દેશોની સરકારો સંમત થઈ હતી.
ઓપરેશન સિંદૂર બાદ ફરી અટારી-વાઘા બોર્ડર પર સેરેમની શરૂ થશે
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ છે. ઓપરેશન સિંદૂર પછી બંધ કરાયેલી રિટ્રીટ સેરેમની ફરીથી શરૂ થવા જઈ રહી છે. 20 મે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની યોજાશે. પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર અને ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ફરી એકવાર રિટ્રીટ સેરેમની જોવા મળશે. 7 મેથી બંને સરહદો પર રિટ્રીટ સેરેમની બંધ કરી દેવામાં આવી હતી. લગભગ 2 અઠવાડિયા પછી તે ફરીથી શરૂ થઈ રહી છે.