સેલ્ફીના સમયમાં સુંદર દેખાવાની દરેકને ઇચ્છા હોય છે. સોશિયલ મીડિયામાં પોતાના સુંદર ફોટા મૂકવાનો અનેક લોકોને શોખ હોય છે. અને એટલે જ ચમકતી અને સુંદર ત્વચા માટે મહિલાઓ બ્યુટી પાર્લરની મુલાકાત લે છે. ત્વચાની સંભાળ રાખવા મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ જરૂરી નથી. કારણ કે મોંઘી પ્રોડક્ટ ફક્ત થોડા સમય માટે તમને સુંદરતા આપશે. જયારે કુદરતી અને ઘરેલુ ઉપચારથી લાંબા સમય સુધી તમારી સુંદરતા રહેશે. તમે કુદરતી રીતે બ્રાન્ડેડ પ્રોડકટના ઉપયોગ વગર સુંદર ત્વચા મેળવી શકશો.
ત્વચાની સુંદરતા વધારનાર ખોરાક
રોજિંદા આહારમાં આ વસ્તુઓને સામેલ કરશો તો થોડા જ સમયમાં ત્વચામાં કુદરતી ચમક આવશે. ગાજર, ટામેટાં, આમળાં અને બદામ ત્વચાની સુંદરતા વધારનારા બેસ્ટ ખોરાક છે. ગાજરમાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન A માં રૂપાંતરિત થાય છે. તે ત્વચાના કોષોને રિપેર કરે છે અને તેમને અંદરથી સ્વસ્થ રાખે છે. આમળાં એક આર્યુવેદિક ઔષધિ માનવામાં આવે છે. તેમાં શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ હોવાથી દરરોજ એક આમળાનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે. બદામમાં વિટામિન E ભરપૂર માત્રામાં છે તે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને ભેજયુક્ત બનાવે છે. ટામેટાંમાં લાઇકોપીન નામનું એન્ટીઑકિસડન્ટ સૂર્યના કીરણોથી ત્વચાને રક્ષણ આપે છે.
આ બાબતનું રાખો ધ્યાન
ત્વચાને સુંદર રાખવા તમે આ બાબતનું પણ ધ્યાન રાખો. સૂર્યના કિરણોના સંપર્કમાં આવતા ત્વચા ટેનિંગ થાય છે. એટલે સારું SPFવાળું સનસ્ક્રિન લોશન ચહેરા પર લગાવો. બાહ્ય સુંદરતા લાંબો સમય ટકતી નથી. માટે ત્વચામાં લાંબા સમય સુધી નિખાર આવે માટે ધ્યાન, યોગ અને સંગીત સાંભળો. માનસિક તણાવ ઘટતા ચહેરા પર ચમક આવશે. રોજિંદા આહારમાં તળેલા ખોરાક, જંકફૂડને દૂર કરો. અને તાજા ફળો અને જયુસને સામેલ કરો. ત્વચાની સફાઈ કરવા અને ચહેરા પર કરચલી ના થાય માટે ચણાનો લોટ, દહીં કે મધમાંથી બનતા ઘરેલુ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )