- મોટા જ્વેલર્સની રેકી કરી લૂંટના ઈરાદે ઉત્તરપ્રદેશથી આવેલા
- છ પૈકી ચાર આરોપીઓ હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવ્યું
- ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી
ઉત્તરપ્રદેશથી 6 શખ્સોની ટોળકી અમદાવાદ ખાતે મોટા જવેલર્સને લૂંટવા માટે હથિયારો સાથે આવી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને પાલડી વિસ્તારમાંથી છ આરોપીને ત્રણ દેશી તમંચા સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 18 કારતૂસ, 3 મોબાઇલ, કટર સહિત 74 હજારનો મુદ્દામાલ પકડાયો હતો. ઝડપાયેલ છ પૈકી ચાર આરોપીઓ હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવતા
ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી છે.
શહેરમાં ઉત્તરપ્રદેશથી છ શખ્સો અમદાવાદ આવીને મોટા જવેલર્સની રેકી કરીને લૂંટ કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠવી હતી. છ આરોપીઓ પાલડી મ્યુઝિકમ AMTS બસ સ્ટેન્ડ પાસેથી ઉભેલા હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા, 18 કારતૂસ, કટર સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, ઉત્તરપ્રદેશમાં STF તેમજ સ્થાનિક પોલીસને હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી કરી રહી છે આથી સાહિદઅલી પઠાણ, રાજેન્દરસિંગ જાટવ, લેખરાજ રોશનસિંગ યાદવ, સત્યરામ યાદવ, લેખરાજ સોનપાલસિંગ યાદવ અને રવિ અલવી એમ છ શખ્સો ઉત્તરપ્રદેશમાં લૂંટ કરવાનું ટાળીને અમદાવાદ ખાતે લૂંટ કરવા માટે આવ્યા હતા. આરોપી સાહિદઅલી સામે 16 કેસ ,લેખરાજ રોશનસિંગ યાદવ 16 કેસ, સત્યરામ યાદવ સામે 8 કેસ અને રાજેન્દરસિંગ સામે 7 કેસ નોંધાયેલા છે.


