- મૈસૂર રોડ અને હોસૂર રોડ પર સૌથી વધારે ટ્રાફિક જામ રહ્યો
- 50 હજાર ફોર વ્હીલર્સ સહિત સેંકડો વાહનોની લાંબી લાઇનો
- બપોર થતાં સુધીમાં ટ્રાફિકની સ્થિતિ સુધરી ગઈ હતી
બેંગલુરુમાં દિવાળીની આગળની રાત્રે જબરજસ્ત ટ્રાફિક જોવા મળ્યો હતો. સ્થિતિ એવી હતી કે એક હજાર કરતાં વધારે બસો અને 50 હજાર કરતાં વધારે ફોર વ્હીલર્સ કલાકોના કલોકો સુધી ટ્રાફિકમાં સરકતાં રહ્યાં. આ વાહનોમાં બેઠેલા અંદાજે અઢી લાખ લોકો શુક્રવારની રાતના આઠ વાગ્યાથી મોડી રાતના બે વાગ્યા સુધી આ ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. આ ટ્રાફિક જામ શનિવારની સવારના આઠ વાગ્યા સુધી જોવા મળ્યો હતો, જોકે, બપોર થતાં સુધીમાં ટ્રાફિકની સ્થિતિ સુધરી ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, એવી જગ્યાઓએ પરિસ્થિતિ વધારે ખરાબ હતી જ્યાં સેટેલાઇટ બસો ઊભી રહે છે. મૈસૂર રોડ પર બ્યાતારયાનપુરા, હોસૂર રોડ પર ગણી જગ્યાએ આવી હાલત જોવા મળી હતી. શુક્રવારે સાંજે ઓફિસો છૂટયા બાદથી ટ્રાફિક જામની સમસ્યા વકરવા લાગી હતી અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે વધતો ગયો હતો. અધિકારીઓએ કહ્યું કે બસ સ્ટેન્ડ અને પિકઅપ પોઇન્ટ્સ પર લોકોને રોકવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા.
પાછા ફરવાના સમયનો પ્લાન
ટ્રાફિક પોલીસે જણાવ્યું કે શિવાંદા સર્કલ અને ગોરેગુંટેપાલ્યા વચ્ચે વાહનો ખૂબ ધીમે ચાલી રહ્યાં હતાં. તદ્ ઉપરાંત મૈસૂર રોડ પર અડધી રાત પછી પણ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. આ રસ્તા પર રાતના એક વાગ્યા પછી ટ્રાફિક હળવો થયો હતો. તહેવારની ઉજવણી કરવા પોતપોતાના ઘરે પાછા ફરી રહેલા લોકો દ્વારા આ સ્થિતિ છે તો, તહેવાર ઊજવીને લોકો પોતાના ઘરે પછા ફરશે ત્યારે ટ્રાફિક કન્ટ્રોલ કઈ રીતે થશે? તેવા સવાલના જવાબમાં અધિકારીએ જણાવ્યું કે પાછા ફરવાના સમયે ટ્રાફિક એટલો બધો જોરદાર નથી હોતો. જોકે, મંગળવાર અને બુધવારે સ્થિતિ બગડે નહીં તે માટે આખા શહેરમાં વધારાના પોલીસને બંદોબસ્તમાં મૂકી દેવાશે.