- મોડે મોડે જાગ્યું ડભોઈ આરોગ્ય તંત્ર
- દિવાળીના તહેવાર પહેલા એક્શનમાં તંત્ર
- 45 જેટલી ખાણીપીણીની દુકાનોમાં દરોડા
દિવાળીના તહેવારમાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈમાં આરોગ્ય તંત્રની અચાનક જ ઉંઘ ઉઘડી હોય તેવો ઘાટ સર્જાયો છે. હેલ્થ વિભાગની ટીમ દ્વારા ખાણીપીણીની ચીજોમાં ભેળસેળ અને મિલાવટ અટકાવવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લના ડભોઈમાં આરોગ્ય તંત્ર દ્વારા રાત્રિના સમયે દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં 45 જેટલી જુદી-જુદી ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ખાણી પીણીની વસ્તુઓના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.
ખાસ કરીને આ કાર્યવાહીમાં મળેલા અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. દિવાળી પહેલા શહેર અને આસપાસના પંથકની જનતાને ભેળસેળિયું અને મિલાવટવાળી ખાણીપીણીની ચીજો આરોગવી ન પડે અને જાહેર જનતાના આરોગ્યને નુકસાન ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. ટીમો દ્વારા 45 જેટલી વિવિધ ખાણી પીણીની દુકાનોમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ દરોડામાં રજવાડી ટી સ્ટોલ ખાતેથી આરોગ્ય વિભાગની ટીમોને દૂધમાં જીવાત જોવા મળી હતી જેથી આ દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે આ દુકાન રાધે કોમ્પલેક્સમાં ચાલી રહી હતી અને ગુમાસ્તા ધારાના લાયસન્સ વિના ચાલતી હતી જેથી પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


