- આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
- આ મેચ અફઘાનિસ્તાન ખેલાડીઓ સચિનને મળ્યા
- સચિન તેંડુલકરે અફઘાન ખેલાડીઓને આપી ટિપ્સ
અફઘાનિસ્તાન મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વર્લ્ડ કપ 2023ની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ સચિન તેંડુલકરને મળ્યા હતા. ટીમના ખેલાડીઓએ સચિન સાથે ઘણો સમય વિતાવ્યો અને આ દરમિયાન ક્રિકેટને લગતી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર ખેલાડીઓની તસવીરો શેર કરી છે.
અફઘાન ખેલાડીઓને સચિને આપી ટિપ્સ
ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન સચિન પણ હાજર હતા. સચિને અફઘાનિસ્તાનના ખેલાડીઓને બેટિંગ સંબંધિત ટિપ્સ આપી હતી. ટીમના સ્પિન બોલર રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબીએ ઘણી વાતો કરી. નબીએ સચિનને ગિફ્ટમાં અફઘાનિસ્તાનથી એક ખાસ પ્રકારનું કેસર આપ્યું હતું. અફઘાન બોર્ડે તેનો ફોટો પણ શેર કર્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ખેલાડી અજય જાડેજા વર્લ્ડ કપ દરમિયાન અફઘાન ટીમ સાથે જોડાયો છે. આનો ફાયદો પણ ટીમને મળી રહ્યો છે. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં મોટી ટીમો પર જીત નોંધાવી છે. તેમણે એક વિશેષ સિદ્ધિ પણ હાંસલ કરી છે. અફઘાનિસ્તાનની ટીમ ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહોંચી છે. તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કર્યું છે.
પોઈન્ટ ટેબલમાં 6 નંબર પર છે અફઘાનિસ્તાન
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. તેમણે અત્યાર સુધી 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જાળવી રાખવા માટે તેની બાકીની મેચો જીતવી પડશે. તેની એક મેચ ઓસ્ટ્રેલિયા સામે અને બીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. અફઘાન ટીમના હાલ 8 પોઈન્ટ છે.