- પેશાવર હાઈકોર્ટના નિર્ણય બાદ ઈમરાન માટે મોટો પડકાર
- હાઇકોર્ટે પહેલા ચૂંટણી ચિન્હ બાદમાં પાર્ટીની આંતરિક ચૂંટણી રદ્દ કરી
- ચૂંટણી પંચની સમીક્ષા રિપોર્ટ બાદ હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુસીબતો ખતમ થવાનું નામ નથી લઈ રહિલ હવે ઈમરાન ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક હાઈકોર્ટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટને રદ કરી નાખ્યું છે. આ સાથે કોર્ટે ઈમરાનની પાર્ટીની આંતરિક ચૂંટણીઓને પણ અમાન્ય જાહેર કરી છે.
આમ, 8 ફેબ્રુઆરીએ યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા જ ઈમરાન ખાનની પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં, હવે તેમની પાર્ટીના ઉમેદવારો ક્રિકેટ બેટના સિમ્બોલ પર ચૂંટણી લડી શકશે નહીં.
પેશાવર હાઈકોર્ટના જજ એજાઝ ખાને પાકિસ્તાનના ચૂંટણી પંચની સમીક્ષા અરજીઓ પર આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં, આ પહેલા ચૂંટણી પંચે ઈમરાન ખાનની પાર્ટીના ચૂંટણી ચિન્હને અમાન્ય ગણાવ્યું હતું, ત્યારબાદ પેશાવર કોર્ટે પોતે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી(પીટીઆઈ)ની અરજી પર તે નિર્ણયને પલટી નાખ્યો હતો. પરંતુ, હવે ચૂંટણી પંચની સમીક્ષા અરજીઓ પર પેશાવર હાઈકોર્ટે ચૂંટણી પંચના જૂના નિર્ણયને બહાલ કરી દીધો છે.
જણાવી દઈએ કે, 22 ડિસેમ્બરે ચૂંટણી પંચે પીટીઆઈની આંતરિક ચૂંટણીને રદ્દ કરી કાઢી હતી અને તેમની પાર્ટીનું ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટ પણ છીનવી લીધું હતું. હકીકતમાં, ડિસેમ્બરમાં પીટીઆઈની આંતરિક ચૂંટણીમાં બેરિસ્ટર ગૌહર ખાનને પીટીઆઈના નવા અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા.


