ગિયાર વરસનો બાળક જીવ શું છે? ઈશ્વર શું છે? માયા શું છે? બહ્મ શું છે? પરમબહ્મ શું છે? જેવા અકળિત મર્મને આત્મસાત્ કરવાની ઇચ્છા પ્રગટ કરે એ જ અસાધારણ ઘટના છે. છપૈયાની ભૂમિ પર પ્રગટ થયેલા ઘનશ્યામ નીલકંઠવર્ણી રૂપે કલ્યાણ યાત્રાનો આરંભ કરે છે. ભારતવર્ષની મહાભૂમિ પર પગપાળા વિચરણ કરતા નીલકંઠવર્ણી સોરઠના લોએજમાં પધારે છે. સાત વરસ, એક મહિનો અને અગિયાર દિવસ સુધી નિરંતર ચાલેલી આ યાત્રા મુક્તાનંદ સ્વામીના મિલન સાથે પુર્ણાહૂતિ પામે છે. મુક્તાનંદ સ્વામી પાસે નીલંકઠવર્ણીને તમામ સંતોષકારક જવાબ મળે છે.
આ નીલકંઠવર્ણી એટલે સ્વયં ભગવાન સ્વામિનારાયણ. ભારતની ભૂમિ એટલી મહાન છે કે આ ધરા પર અસાધારણ વાતો પણ સાધારણ લાગે. ભારત સંસ્કૃતિથી ઘડાયેલો દેશ છે અને તેના આધારસ્તંભો આપણા અવતારો છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ ભારતના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન કૃષ્ણની પરંપરાને ઈષ્ટદેવના સ્વરૂપે સ્વીકારીને ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની ભૂમિને પાવન કરી છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્ય દિવસ સાથે જોડાયેલો છે. ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે છપૈયામાં કરોડો જીવના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે જન્મ લીધો હતો.
સોરઠની ધરા પર પધારેલા નીલકંઠવર્ણીને ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને સહજાનંદ સ્વામી તેમજ નારાયણ મુનિ એમ બે નામ આપ્યાં. સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને કરોડો જીવોના કલ્યાણ માટે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. બ્રહ્માંડ પુરાણના ઉલ્લેખ અનુસાર કળિયુગમાં સ્વામિનારાયણના નામથી ભગવાન જન્મ લેશે. આપણાં ધર્મશાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા લખાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મશાસ્ત્રોમાં વિશેષ મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે.
પાખંડ, વ્યસન અને અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનેલા લોકોને ધર્મનું માહાત્મ્ય સમજાવ્યું અને સત્સંગ સમાજનું નિર્માણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ દ્વારા થયેલા સમાજસુધારણા કાર્યની નોંધ અને તેમની વિચારધારાને અંગ્રેજી સાહિત્યમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને એ વખતે રાજકોટના ગવર્નર તરીકે કાર્યરત જ્હોન માલ્કમ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે લખેલી શિક્ષાપત્રી તેમને આપી હતી, જે આજે પણ બ્રિટિશ લાઇબ્રેરીમાં છે.
આ દેશ શક્તિનો પૂજક રહ્યો છે. નારીને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ એ વખતે બાળકીને જન્મતાંવેંત દૂધપીતી કરવાની પ્રથા પ્રવર્તમાન હતી. આ પ્રથાને અટકાવવાનું કામ સહજાનંદ સ્વામીએ સારી રીતે કર્યું. એટલું જ નહીં દારૂ, ગાંજો અને અફીણના વ્યસનમાં મગ્ન લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવી સંસ્કારી અને મજબૂત સમાજના નિર્માણનું કાર્ય કર્યું. તેઓ જાણતા હતા કે એક વ્યક્તિના માધ્યમથી સામાજિક પરિવર્તન લાવવાં શક્ય નથી અને એટલે જ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. આધ્યાત્મિક ઉત્થાન અને કલ્યાણ માટે નંદ સંતોની દિવ્ય પરંપરામાં પાંચસો જેટલા પરમહંસોને દીક્ષા આપી. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી જેવા સમર્થ સંતોએ સંપ્રદાયના વારસાનું સંવર્ધન કર્યું.
નંદ સંતોના માધ્યમથી હજારો લોકોની આધ્યાત્મિક જિજીવિષાને પૂરી કરી ધર્મમાર્ગને પ્રશસ્ત કર્યો. કોઈ એક વ્યક્તિ કે જ્ઞાતિ જ નહીં, પરંતુ સમાજના છેવાડાનો વર્ગ પણ આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી સમાજમાં એક સારું સ્થાન પ્રાપ્ત કરે એવા શુભ આશયથી ભગવાને સંતોની સાથે તમામ લોકોનાં હૃદયની ભાવનાઓનો સ્વીકાર કર્યો, લોકોને સાંત્વના આપીને તેમની ઇચ્છાઓ સંતૃપ્ત કરી માનવહૈયાને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવ્યો.
સંતો, પાર્ષદો અને ભક્તોની સાથે સહજાનંદ સ્વામીએ આખાય ગુજરાતનું વિચરણ કર્યું હતું. ગુજરાતની ભૂમિ પર તેમણે સર્વજીવ હિતાવહ અને સર્વધર્મ સમભાવનાના ઉદ્દેશ્ય સાથે છ મંદિરોનું નિર્માણકાર્ય કર્યું હતું. અમદાવાદ, વડતાલ, ભુજ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડામાં ભગવાન સ્વામિનારાયણે ભગવાન કૃષ્ણના સ્વરૂપની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. મંદિરોની સ્થાપના કરી ઉપાસનાની ગંગા વહેતી કરી, જે આજે પણ અવિરત છે. સ્વામિનારાયણ સંપ્રદાયે વિશ્વના અનેક દેશમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો છે.