આઇપીએલ 2025નો ખિતાબ આ વખતે આરસીબીએ જીત્યો. આ જીત બાદ દરેક ઘરમાં ઉજવણીનો માહોલ હતો. જીત બાદ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગની ઘટનાએ ભારતીય ક્રિકેટ બોર્ડને ગંભીર નિર્ણય લેવા માટે મજબૂર કર્યુ છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 56 લોકો ઘાયલ થયા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે બીસીસીઆઇ મોટો નિર્ણય લેવા જઇ રહી છે.
બેઠકમાં ભાગદોડને લઇને શું થશે ચર્ચા ?
28મી અપેક્સ કાઉન્સિલની બેઠકમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના જીતનો જશ્ન માણવા માટે દિશા નિર્દેશ તૈયાર કરવા પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. આ બેઠક શનિવારે થશે જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશેય બીસીસીઆઇએ સ્વીકાર કર્યો હતો કે આ ઇવેન્ટનું મેનેજમેન્ટ સારી રીતે થઇ શક્યુ હોત. આ ઘટનાને ગંભીરતાથી લઇને મીટિંગના એજન્ડામાં તેનો સમાવેશ કરાયો છે. બીસીસીઆઇના સૂત્રો દ્વારા પીટીઆઇને જણાવવામાં આવ્યું કે શનિવારની આ બેઠકમાં આઇપીએલમાં જીતની ઉજવણી માટે સ્પષ્ટ અને સુરક્ષિત દિશા નિર્દેશ બનાવવા પર ચર્ચા થશે.આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલા ભરવામાં આવશે. આ દિશા નિર્દેશોનો ઉદ્દેશ્ય ફેન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેમજ એવા પ્રકારનું આયોજન કરવામાં આવે કે જેથી ભીડને કાબૂમાં લઇ શકાય.
ભારત-ન્યૂઝીલેન્ડ સિરિઝ પર પણ થશે નિર્ણય
આ બેઠકમાં ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે થનારી ક્રિકેટ સિરિઝને લઇને પણ ચર્ચા થશે. વેન્યૂ સિલેક્શન પર વિચાર કરાશે. આ સિરીઝ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે મહત્વપૂર્ણ છે જે માટે મેદાનોની પસંદગી કરવી બીસીસીઆઇની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત એજ વેરિફિકેશ પ્રોસેસનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાશે. આ પ્રયાસ એજ ગ્રુપ ક્રિકેટ ખાસ કરીને અંડર -16 અને અંડર 15માં એજને લઇને થતી છેતરપિંડી રોકવાનો પ્રયાસ છે. બોર્ડ આ પ્રક્રિયાને વધારે મજબૂત કરવા માટેના પ્રયાસો પર વિચાર કરશે.