- વર્ષ 2023માં 16 દેશોમાં 1,153 જેટલા લોકોને મૃત્યુદંડની સજા થઈ
- ઇરાનમાં સૌથી વધુ કુલ 853, સાઉદી અરબમાં 172ને મૃત્યુદંડની સજા
- સોમાલિયામાં 38 તો અમેરિકામાં 24 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી
વર્ષ 2015 પછી તાજેતરના વર્ષોમાં વિશ્વમાં મૃત્યુદંડનનું પ્રમાણ તેની ટોચની સ્થિતિએ પહોંચી ચૂક્યું છે. લંડન ખાતેના માનવ અધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ જાણકારી આપી છે. સંગઠને એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ 2023માં 16 દેશોમાં 1,153 જેટલા લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. વર્ષ 2022માં કુલ 883 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી તે જોતાં વર્ષ 2023માં આ પ્રમાણમાં 31 ટકા વધારો નોંધાયો હતો.
ઇરાનમાં સૌથી વધુ સંખ્યામાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. મૃત્યુદંડના 75 ટકા કિસ્સા
ઇરાનમાં નોંધાયા છે. મધ્યપૂર્વના આ દેશમાં વર્ષ 2023માં કુલ 853 લોકોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. વર્ષ 2022ને મુકાબલે તેનું પ્રમાણ 48 ટકા વધુ રહ્યું. સાઉદી અરેબિયા 172ને મૃત્યુદંડની સજા આપીને બીજા ક્રમે રહ્યું છે. વિશ્વભરમાં થયેલી મૃત્યુદંડની સજાની તુલનામાં આ પ્રમાણ 15 ટકા કહી શકાય.
અમેરિકામાં 24ને મૃત્યુદંડની સજા
વર્ષ 2023 દરમિયાન સોમાલિયા અને અમેરિકામાં પણ મૃત્યુદંડની સજાના પ્રમાણમાં વધારો નાંધાયો છે. સોમાલિયામાં 38 તો અમેરિકામાં 24 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જોકે વર્ષ 2023માં મૃત્યુદંડની સજા આપનારા દેશોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષમાં બેલારૂસ, જાપાન, મ્યાંમાર અને દક્ષિણ સુદાનમાં મૃત્યુદંડની સજા આપવામાં નથી આવી. જોકે, વર્ષ 2023 દરમિયાન ફરમાવવામાં આવેલી મૃત્યુદંડની નવી સજાનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે. વર્ષ દરમિયાન 2,428 લોકોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી.
144 દેશોએ મૃત્યુદંડની સજા નાબૂદ કરી
વિશ્વના 144 દેશો તેમના કાયદા અને વ્યવહારમાં પણ મૃત્યુદંડની સજાને નાબૂદ કરી ચૂક્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના મહામંત્રી જુલિયા ડચરોવે મૃત્યુદંડની સજા નાબૂદ કરી ચૂકેલા દેશોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તે ઘટનાને આવકારી છે. પરંતુ મૃત્યુદંડની સજા થવાના કિસ્સામાં થઈ રહેલી વૃદ્ધિ પરત્વે તેમણે ચિંતા જાહેર કરી હતી.


