દિવાળીના આગલા દિવસના પર્વને કાળીચૌદશ અથવા નરકચૌદશના નામે ઓળખવામાં આવે છે. બંગાળમાં આ દિવસને માતા મહાકાળીના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળીચૌદશનું પર્વ માતા મહાલક્ષ્મી, શ્રી હનુમાનજી તેમજ શ્રી ભૈરવજીને પ્રસન્ન કરીને શત્રુઓ વિજય પ્રાપ્ત કરવા તેમજ અવિદ્યા રૂપી મેલીવિદ્યાનો નાશ કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસ ખાસ કરીને તાંત્રિકો તેમજ અઘોરી માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. કાળીચૌદશના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યાં હતા તેથી તેને નરક ચતુર્દર્શી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચર્તુર્દશીને રૂપ ચર્તુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. કાળીચૌદશે ભગવાન યમને સાયંકાળ દરમ્યાન દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવી મનુષ્ય પોતાના પિતૃઓની પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે તેમજ આકસ્મિક મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે. કાળીચૌદશના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડાં મૂકીને પોતાના ઘરમાંથી ક્લેશ, અવિદ્યા તેમજ કલહનો નાશ કરે છે.
કાળીચૌદશના દિવસે કરવામાં આવતી સંક્ષિપ્ત વિધિ
1. શ્રી મહાકાળી માતાને સંધ્યાકાળ બાદ આરતી, પૂજા-પાઠ કરીને ધૂપ અર્પણ કરવો તેમજ 51 અથવા 108 લીંબુનો હાર ચઢાવવાથી આસુરી શક્તિ પર વિજય મળે છે.
2. શ્રી મહાકાળી માતા સમક્ષ સંધ્યાકાળ બાદ દુર્ગા સપ્તશતી (ચંડીપાઠ) કરવો તેમજ મહાકાળી માતાને સુખડીનો પ્રસાદ ધરાવવો.
3. કાળીચૌદશના દિવસે મહાકાળી માતાને શ્રીફળ અર્પણ કરીને પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરવી.
4. કાળીચૌદશના દિવસે શ્રી મહાકાળી માતાની મૂર્તિ પર લાલ કંકુનો અભિષેક કરવાથી ભાગ્યોદય થાય છે.
5. દેવીદોષમાંથી મુક્તિ માટે કાળીચૌદશના દિવસે શક્ય હોય તો માતા મહાકાળીનો યજ્ઞ કરવો તેમજ
॥ ૐ હ્રીં ક્લીં મહાકાલ્યૈય નમઃ ॥
આ મંત્રની યથાશક્તિ માળા કરવી.
કાળીચૌદશના દિવસે શ્રી મહાકાળી માતાજીની સાથે શ્રી હનુમાનજી મહારાજની પણ પૂજાવિધિનું વિશેષ મહત્ત્વ ગણાય છે. કાળીચૌદશના દિવસે શ્રી હનુમાનજીને નૈવેદ્યમાં અડદનાં વડાં તેમજ ચૂરમાના લાડુ ધરાવાય છે. શ્રી હનુમાનજીને કાળીચૌદશના દિવસે બાજોઠ પર કેસરી રંગનું કપડું પાથરી ત્યારબાદ તલના તેલનો દીવો અને અગરબત્તી (ધૂપ) અર્પણ કરવાં. શ્રી હનુમાનજીની મૂર્તિને સ્થાપિત કરી તેના પર તેલનો અભિષેક કરવો તેમજ સિંદૂર લગાડી ભગવાન શ્રી હનુમાનજીની મૂર્તિ પર આકડાનો હાર ચઢાવી ઋતુ પ્રમાણેનાં ફૂલ અર્પણ કરવો. ત્યારબાદ હનુમાનજી સમક્ષ મોટા સ્વરે આ ચોપાઈનું 11 વાર ઉચ્ચારણ કરવું.
॥ સબ સુખ લહૈ તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના ॥
આ ચોપાઈ બોલીને હનુમાનજીને પોતાના પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરવી. ભગવાન શ્રી હનુમાનજીને એક દાડમ ચઢાવી ત્યારબાદ મનવાંછિત ઇચ્છાની પૂર્તિ માટે હનુમાનજી સમક્ષ યથાશક્તિ
॥ ૐ હં હનુમંતાય નમઃ ॥
આ મંત્રની શ્રદ્ધાપૂર્વક માળા કરવી. આરતી કરીને હનુમાનજી સમક્ષ રામ નામ ધૂન કરી શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી.
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટેના ઉપાયો
1. હનુમાનજી સમક્ષ 21, 51 તેમજ 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
2. શ્રી હનુમાનજી સમક્ષ `સુંદરકાંડ’નો પાઠ કરવો.
3. શત્રુઓથી રક્ષા મેળવવા માટે હનુમાનજી સમક્ષ બજરંગબાણનો પાઠ કરવો.
4. કાળીચૌદશના દિવસે 11 પીપળાનાં પાન પર લાલ ચંદનથી ॥ શ્રી રામ ॥ આ મંત્ર લખીને તે માળા શ્રી હનુમાનજી પર અર્પણ કરવી.
5. કાળીચૌદશના દિવસે શ્રી હનુમાનજીને 11 લવિંગની માળા ચઢાવવાથી હનુમાનજીની સહજ કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રી ભૈરવજીની આરાધના
કાળીચૌદશના દિવસે જેમ શ્રી મહાકાળી અને હનુમાનજીની ઉપાસનાનું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ ભગવાન ભૈરવજીની આરાધનાનું ગણવામાં આવે છે. પુરાણોમાં માતાજીની સાથે ભૈરવનું પૂજન અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. તેમજ ભૈરવ 64 છે તેમાં પણ શાસ્ત્રોક્ત 8 ભૈરવ અને પ્રધાન 2 ભૈરવ – કાળભૈરવ અને બટુકભૈરવનું સ્થાન મોખરે બતાવવામાં આવે છે. કાળીચૌદશના દિવસે બાજોઠ પર કાળું કપડું પાથરી તેના પર કાળા તલની ઢગલી કરવી. તેના પર અષ્ટદલ બનાવીને કળશ મૂકવો. ભગવાન ભૈરવજીને પ્રસન્ન કરવા બાજોઠની બાજુમાં તેલનો દીવો, ધૂપ, અગરબત્તી કરવાં. ત્યારબાદ તે કાળા તલની ઢગલી પર ત્રાંબાનો કળશ સ્થાપિત કરીને તેના પર તરભાણું મૂકીને તેના પર નાગરવેલનું પાન મૂકી તેના પર ભૈરવ યંત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવી. ભગવાન ભૈરવજીને કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, ચોખા ચઢાવીને વિવિધ ફૂલો અને ફૂલોના હારથી શણગારવા. ત્યારબાદ ભૈરવજીનાં 108 નામોનું ઉચ્ચારણ કરી યથાશક્તિ
॥ ૐ હ્રીં કાળભૈરવ નમઃ ॥
આ મંત્રનો જાપ કરવો. ત્યારબાદ ભગવાન ભૈરવને નૈવેદ્યમાં અડદનાં વડાં, ખીર તેમજ બેસનના લાડુ ધરાવવા. ત્યારબાદ આરતી કરી ક્ષમા માંગવી તેમજ પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરવી.
ભૈરવજીની કૃપા પ્રાપ્ત કરવા માટેના ઉપાયો
1. ભગવાન ભૈરવજીને 51 લીંબુનો હાર કાળીચૌદશે ચઢાવવો.
2. કાળીચૌદશના દિવસે શ્રી બટુક ભૈરવ આવદ્દઉદ્ધારક મંત્ર
॥ ૐ હ્રીં બં બટુકાય મમ્ આપત્તિ ઉદ્ધારણાય કુરુ બટુકાય બં હ્રીં ફટ સ્વાહા ॥
આ મંત્રની માળા તેમજ હોમાત્મક યજ્ઞ કરીને બટુક ભૈરવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
3. ગ્રહ-બાધા તેમજ દોષથી મુક્તિ માટે કાળભૈરવ સમક્ષ `શ્રી કાળભૈરવાષ્ટકમ્’ નો પાઠ 21 વાર કરવો.
4. દરિદ્રતાનો નાશ કરવા માટે કાળીચૌદશના દિવસે કાળભૈરવ સમક્ષ ભૈરવ ચાલીસાનો 7 વાર પાઠ કરવો.
5. કાળીચૌદશના દિવસે કાળા કૂતરાને મીઠો ભાત, દૂધ તેમજ ઉત્તમ પકવાન જમાડવાથી કાળભૈરવ દાદા પ્રસન્ન થાય છે.
કોઈ વ્યક્તિ ગાંડપણનો શિકાર બની હોય તો!
ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડે તો ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય છે. એમાંય જો એપિલેપ્સી કે ગાંડપણથી પીડાતી હોય તો તેને સાજી કરવા આપણે દિવસરાત એક કરી દેતાં હોઇએ છીએ. તેમ છતાં ફાયદો ન થાય તો કાળીચૌદશે આ ઉપાય અજમાવવાથી જરૂર ફાયદો થશે. કાળીચૌદશની રાત્રે કાળી હળદરના બે ટુકડાને ધોઇ સ્વચ્છ કપડાથી કોરી પાડી વાટકીમાં મૂકો. હળદરને લોબાનનો ધૂપ આપીને શુદ્ધ કરો. પછી કાળી હળદરના એક ટુકડાની અંદર કાણું પાડીને તેને કાળા દોરામાં પરોવો અને જે વ્યક્તિને તકલીફ હોય તેના ગળામાં આ દોરો પહેરાવી દો. બીજા હળદરના ટુકડાનો પાઉડર બનાવી દો. નિયમિતપણે વાટકીમાંથી થોડો હળદર પાઉડર તાજા પાણી સાથે સેવન કરાવો. એનાથી ચોક્કસ ફાયદો થશે.
શ્રી મહાકાળી મંત્ર
॥ ઓમ ક્રીં ॥
આ મંત્રને મહાકાળીનો એકાક્ષરી મંત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મંત્રના નિયમિત રીતે જાપ કરવાથી મનુષ્યને ઉપાસના અને આરાધનાની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત મહાકાળીની કૃપાદૃષ્ટિ પણ પ્રાપ્ત થાય છે. આ મહાકાળી મંત્રને એકાક્ષરી મંત્રની સાથે સાથે ચિંતામણિ કાળી મંત્ર પણ કહેવામાં આવે છે.
હનુમાન મંત્ર
॥ ઓમ હં હનુમતે નમ: ।।
ચમત્કારી મંત્ર વાણી સાથે લગતાં કાર્યમાં સફળતા મેળવવા માટે કરવામાં આવે છે. જેમ કે, વાદ-વિવાદ, ન્યાયાલય વગેરેનાં કામમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો આ મંત્રનો મંગળવારે વિધિપૂર્વક જાપ કરો.