- ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજાને પુત્રદા એકાદશીની વ્રતકથા કહે છે.
પુત્રદા એકાદશીના અધિષ્ઠાતા દેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે. ભગવાન નારાયણ અવતારના અવતારી અને કારણના કારણ કહેવાય છે. સર્વે વ્રતસાધનામાં ભગવાન (ઈષ્ટ દેવ-દેવી)માં અખંડ વૃત્તિ રાખવી એ દુષ્કર છે. પોતાના ઇષ્ટદેવની મૂર્તિ ચિંતામણી તુલ્ય ગણાય છે. ચિંતામણિ જે મનુષ્યના હાથમાં હોય તે મનુષ્ય જે જે વસ્તુઓનું ચિંતવન કરે તે તેને પ્રાપ્ત થાય છે. માટે વ્રતધારીએ મનની અખંડ વૃત્તિ ભગવાન નારાયણમાં રાખવી જોઈએ, કારણ કે પુત્રદા એકાદશીના તેઓ અધિષ્ઠાતા દેવ છે. જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને નારાયણના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, અન્યને અખંડ વૃત્તિ રાખવી મુશ્કેલ છે. સર્વ પાપોને દૂર કરનારી અને મનોવાંછિત ફળ આપનારી પુત્રદા એકાદશીની કથા આ પ્રમાણે છે.
ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતો હતો. તેને ધર્મશીલ અને પતિપરાયણ `શૈલ્યા’ નામની રાણી હતી. રાજા-રાણીને નિઃસંતાનપણાનું દુઃખ સાલતું હતું. પુત્ર વિના રાજમહેલ સૂનો સૂનો લાગતો હતો. ભૌતિક સુખ-સંપત્તિ પ્રત્યે તેને કોઈ લાલસા રહી ન હતી. પુત્ર વિના પિતૃઓને મોક્ષપ્રાપ્તિ થતી નથી. પ્રાચીન સમયમાં પુત્રપ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞો કેટલાક રાજાઓએ કર્યાં હતા તેથી તેણે વિદ્વાન પંડિતની સલાહ લીધી.
વિદ્વાન પંડિતે યજ્ઞના ફળની પ્રાપ્તિ કઈ રીતે મળે તેની એક કથા સુકેતુને કહી સંભળાવી.
પૂર્વે કુરુ દેશમાં એક વેદજ્ઞાતા મનુષ્ય પોતાની પત્ની સાથે રહેતો હતો. તેણે પણ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું હતું અને પુત્રપ્રાપ્તિ થઈ હતી. પુત્રદા એકાદશીનું વ્રત કરવું એ પણ એક પ્રકારનો યજ્ઞ છે.
રાજાએ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો તે માંડી વાળ્યો, કારણ કે આત્મહત્યા કરવાથી જીવની દુર્ગતિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ગમે તેવો આપાતકાળ આવી પડે, પણ આપઘાત કરવો નહીં.
રાજા ઊંડા વિચારમાં ગરકાવ થઈ જાય છે. તે વિચારે છે કે મેં આ જન્મમાં અનેક યજ્ઞો કર્યાં છે, દેવપૂજા કરી છે, પ્રજાનું મેં પુત્રની જેમ પાલન કર્યું છે, છતાં મને પુત્રસુખની પ્રાપ્તિ થતી નથી. પૂર્વજન્મમાં મેં એવાં શું પાપ કર્યાં હશે? રાજા સુકેતુ ફરતો ફરતો એક સરોવર પાસે ગયો. તેનું જમણું અંગ ફરકવા લાગ્યું. તેને થયું કે આ શુભ શુકનની નિશાની છે. સરોવરતટે એક સુંદર આશ્રમ હતો. ઋષિ-મુનિઓ ઉચ્ચ સ્વરે વેદમંત્ર બોલી રહ્યા હતા. રાજા સુકેતુમાને મુનિવર્યોને પ્રણામ કર્યાં અને પોતાની ઓળખાણ આપી. ઋષિઓએ કહ્યું, `રાજન્! અમે વિશ્વદેવ તરીકે ઓળખાઈએ છીએ. આજે પુત્રદા એકાદશી છે, પોષ સુદ અગિયારશનું વ્રત કરનારને પુત્રપ્રાપ્તિ થાય છે, માટે તું જો આ વ્રત કરીશ તો પ્રભુકૃપાથી તારે ત્યાં જરૂર પુત્રરત્નનો જન્મ થશે. પુત્રદા એટલે પુત્ર આપનાર.’
મુનિવર્યોના કહેવાથી સુકેતુમાને આશ્રમમાં પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે પારણાં કરી, ઋષિ-મુનિઓને પ્રણામ કરી રાજમહેલે પાછો ફર્યો. શૈલ્યાએ આ વ્રતના પ્રભાવને લીધે પુત્રરત્નને જન્મ આપ્યો.
શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, `હે રાજન્! આ વ્રત કરનારને અવશ્ય પુત્રપ્રાપ્તિ થાય છે, વ્રત કરનારને મોક્ષગતિ મળે છે અને આ કથાનું શ્રવણ અને પઠન કરનારને અશ્વમેધ યજ્ઞનું ફળ પણ મળે છે.’