- શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે ગોપીઓએ કાત્યાયિની દેવીની ઉપાસના કરીને કાત્યાયિની વ્રત કર્યું હતું
ધનુર્માસ એક ખગોળીય ઘટના છે. આ સમયમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી બહાર નીકળી ધન રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય દરેક રાશિમાં એક માસ સુધી રહે છે. એ જ રીતે એક માસ સુધી સૂર્ય ધન રાશિમાં રહે છે. સૂર્ય 30 દિવસ સુધી ધન રાશિમાં રહે તે સમયને ધનુર્માસ તરીકે ઓળખીએ છીએ. ધનરાશિ એટલે બૃહસ્પતિ-ગુરુની રાશિ કહેવાય છે. સૂર્યની મિત્રરાશિ પણ કહેવાય છે. આ ઘટનામાં સૂર્ય અને ગુરુ બંને તેજસ્વી એક જ સ્થાનમાં ભેગા થાય છે તેથી બંને તેજસ્વી ગ્રહ વચ્ચે તેજોદ્વેષની ઘટના રચાઈ છે. આ સમયમાં સૂર્યનું તેજ નબળું પડતા આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે નહીં. ખાસ કરીને 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી યાને કે ધનસંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીના સમયને ધનારક માસ અથવા ખરમાસ પણ કહેવાય છે. આ સમયને આપણે કમુહૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ.
આ સમયમાં સાત્ત્વિક ભોજન કરવાનું સૂચન શાસ્ત્રમાં છે. આ પવિત્ર સમયમાં પવિત્ર નદીઓમાં શિતળ સ્નાન કરવાનું અધિક મહત્ત્વ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય સંક્રમણ કાળમાં જે મનુષ્ય સ્નાન અથવા તો પવિત્ર શિતળ સ્નાન નથી કરતા તેના જીવનમાંથી દુ:ખ અને દરિદ્રતા ક્યારેય પણ મટતાં નથી.
ધનુર્માસ માટે એક માન્યતા એવી પણ છે કે મહાભારતના યુદ્ધમાં ભિષ્મ પિતામહ આ માસમાં જ બાણશય્યા પર ઢળી પડ્યા હતા. તેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું તેથી પવિત્ર સમયની રાહમાં મકરસંક્રાંતિ સુધી બાણશય્યા પર અસહ્ય પીડા સહન કરી તેથી આ સમયને શુભ નહીં ગણતા આ સમયમાં માત્ર ને માત્ર પ્રભુ નામસ્મરણ જ થઈ શકે છે.
સામાન્ય રીતે આ ધનુર્માસ માગશર-પોષ માસમાં આવે છે. માગશર માસ માટે તો ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજીમાં અર્જુનને સંબોધીને કહે છેને કે `માસાનાં માર્ગશીર્ષો’ અર્થાત્ માસોમાં ઉત્તમમાં ઉત્તમ હું માગશર માસ છું તેથી આ માસમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ ઉત્તમ ગણાય છે.
કૃષ્ણાવતારમાં દૃષ્ટિપાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના સહાધ્યાયીઓ સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે ધનુર્માસના ઉત્તમ સમયમાં સાંદિપની ઋષિએ તેમને 64 કલાની વિદ્યા શીખવી હતી તેથી આ પવિત્ર સમયમાં વિદ્યાસંબંધી જ્ઞાન અને ધર્મસંબંધી જ્ઞાન મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ સમયકાળમાં હરિભક્તોને બ્રહ્મમુહૂર્તમાં શિતળ સ્નાન કરાવીને મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હતા.
આવા અનેક પ્રસંગો ઉપરથી, ઘટનાઓ ઉપરથી એટલું જરૂર ફલિત થયું છે કે ધનુર્માસ દરમિયાન એક પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. પ્રભુનામ સ્મરણ, જપ-પાઠ વિદ્યાભ્યાસ માટે ઉત્તમ સમય પ્રભુને પામવા માટે, પ્રભુને મેળવવા માટે ધનુર્માસ ઉત્તમ સમય છે.
કૃષ્ણાવતારમાં ગોપીઓએ પણ પ્રભુને પતિ તરીકે પામવા માટે ઉત્તમ વ્રત કર્યું હતું. આપણે આ કથા જાણીએ છીએ કે, વ્રજની ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અપાર પ્રીતિ હતી. ગોપીઓનું જીવન, તેમની તમામ પ્રવૃત્તિ એક ને માત્ર એક શ્રીકૃષ્ણ જ હતા.
તમામ ગોપીઓ શ્રીકૃષ્ણને અપાર પ્રેમ કરતી હતી. શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે ગોપીઓએ કાત્યાયિની દેવીની ઉપાસના કરીને કાત્યાયિની વ્રત કર્યું હતું. કાત્યાયિની દેવી એટલે નવ દુર્ગાનું એક સ્વરૂપ છે. મા પાર્વતીનું જ આ રૂપ છે. આ ગોપીઓ શિતળ સમયમાં બ્રાહ્મમુર્હૂતમાં વહેલી પરોઢે એકસાથે યમુનાકિનારે જઈ યમુના સ્નાન કરીને, નદીકિનારે મા કાત્યાયિનીની પૂજા-આરાધના કરતી દિવસ દરમિયાન એકટાણું-ઉપવાસ કરતી નવરાશની પળમાં માત્ર ને માત્ર શ્રીકૃષ્ણનું જ રટણ કરતી. આ ધનુર્માસના કાત્યાયિની વ્રતથી ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણએ સ્વીકારી લીધી અને તેમનું શરણ આપ્યું. આ કથા શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે.
કાત્યાયિની મહાભાગે મહાયોગિની અધિશ્વરી।
નંદગોપ સૂતં દેવિ પતિ મે કુરુમે નમ:॥
(ભાગવત-ખંડ-2 અધ્યાય-22)
દક્ષિણ ભારતમાં ધનુર્માસનું મહત્ત્વ ખૂબ જ છે. ત્યાં આ સમય દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની, શ્રી રંગનાથની, શ્રી વેંકટેશ ભગવાન (શ્રી તિરુપતિ બાલાજી)ની અતિ ઉત્તમ ઉપાસના થાય છે.
ગોદા-રંગનાથ કલ્યાણ ઉત્સવ
દક્ષિણ ભારતનો આ મુખ્ય ઉત્સવ છે. ધનુર્માસના 27મા દિવસે દક્ષિણ ભારતના શ્રીરંગમમાં, શ્રી વિલ્લીપુત્તુરમાં, શ્રી તિરુપતિમાં ગોદા-રંગનાથ ભગવાનનો વિશેષ કલ્યાણ ઉત્સવ (લગ્નોત્સવ) ખૂબ જ ભક્તિભાવથી ઊજવાય છે. તેના પાછળની કથા ખૂબ સુંદર છે.
આ ઘટના વિલ્લીપુત્તુર ગામની છે. શ્રી વિષ્ણુચિત્ત સ્વામીજીને ભૂમિમાંથી સાક્ષાત્ ભૂદેવી-શ્રીલક્ષ્મીના અવતાર સ્વરૂપ-બાળકી મળી આવી તેનું નામ ગોદા પાડ્યું (આંડાલ) પૂર્વજન્મમાં ગોદાએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું તમે કઈ રીતે પ્રસન્ન થાવ છો? તેના ઉત્તરમાં રંગનાથ ભગવાને કહ્યું કે મને સ્તોત્ર પ્રિય છે. મારા સ્તોત્રનું ગાન કરે, મને પુષ્પમાળા અર્પણ કરે તેનાથી ખૂબ પ્રસન્ન થાઉં છું.
આ વાત ઉપરથી શ્રીલક્ષ્મીજી ભગવાનને પ્રસન્ન કરવા હેતુ ભૂમિસ્વરૂપે પ્રગટ થયાં અને ગોદા નામથી પ્રચલિત થયાં. ભગવાનને રીઝવવા પ્રસન્ન કરવા, તેમને જનમોજનમ પતિ તરીકે મેળવવા માટે તેમણે `તિરુપ્પાવૈશ્રી વ્રત’ 30 પદની રચના કરી ધનુર્માસનું ઉત્તમ વ્રત કર્યું. પ્રભુને પ્રિય એવી તમામ ચીજવસ્તુનો ત્યાગ કર્યો. વહેલી સવારમાં પુષ્કરણીમાં શિતળ સ્નાન કરીને પ્રભુનું નામસ્મરણ કરીને પ્રભુની સમક્ષ પદો ગાઈને પ્રભુને પ્રસન્ન કર્યાં. ધનુર્માસના 27મા દિવસે પ્રભુએ તેમને પત્ની તરીકે દિલમાં સ્વીકારી લીધાં.
શ્રીગોદાજી તથા શ્રી રંગનાથ ભગવાનનો દબદબાપૂર્વક શ્રીકલ્યાણ ઉત્સવ ઉજવાયો. શ્રી લક્ષ્મીજીના સાક્ષાત્ અવતાર શ્રી ગોદા શ્રી રંગમસ્થિત શ્રી રંગનાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયાં. ત્યારથી દક્ષિણ ભારતનાં તમામ મંદિરોમાં આ સમય દરમિયાન કલ્યાણ ઉત્સવ ઊજવાય છે.
ધનુર્માસ દરમિયાન માનવનું નિત્યકર્મ
શ્રીભક્તોએ વહેલી સવારમાં ઊઠી શિતળ જળમાં સ્નાન કરીને દેહ શુદ્ધ કરવો, ગુરુ કે આચાર્યના સંપર્કમાં રહી નિત્ય આરાધન-પ્રવચન સાંભળી મન શુદ્ધ કરવું, ખાસ ખાસ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના નિત્ય યથાશક્તિ જપ-પાઠ કરવા, ધનુર્માસ દરમિયાન `ૐ શ્રી વિષ્ણવૈ નમ: ૐ નમો: નારાયણાય-ૐ નમો ભગવતે વાસુદેવાય॥’ આ પવિત્ર માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત, શ્રી ગીતાજી, શ્રીવિષ્ણુ પુરાણનું પઠન કરી શકાય. વિશેષમાં સૂર્ય મંત્ર અને ગુરુ મંત્રના જપ-પાઠ પણ પુણ્યદાયક બને છે.
ધનુર્માસ દરમિયાન વિશેષ પૂજા-પાઠ તથા નિષેધ
આ પવિત્ર માસ દરમિયાન પ્રભુને પામવા માટે શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામનાં પાઠ, પૂજન-અર્ચના ઉત્તમ ગણાય છે. પવિત્ર જળમાં શિતળ સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ભગવાનના ગુણાનુવાદના સ્તોત્રનું ગાન ખૂબ જ ઉત્તમ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતની કથાનું રસપાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ મહત્ત્વ છે. પ્રભુને પ્રિય એવી ચીજવસ્તુનો ત્યાગ-ઉપવાસ અથવા એકટાણું ભોજન વ્રત ઉત્તમ.
આ ધનુર્માસ દરમિયાન મુંડન-નિષેધ છે. ખાસ કરીને આ દિવસોમાં દાન-પુણ્ય કર્મ અતિ ઉત્તમ આલેખ્યું છે. શ્રી વેંકટેશ સ્તોત્રના પાઠ-શ્રી તિરુપ્પાવૈ શ્રી વ્રતના પાઠ-અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે.
આ પવિત્ર સમય દરમિયાન તામસી ખોરાકનો ત્યાગ, મોજશોખનો ત્યાગ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને વધુમાં વધુ પ્રભુનું નામસ્મરણ એ જ ધનુર્માસનું મુખ્ય કર્મ છે અને એ જ ધનુર્માસનું તાત્પર્ય છે.