- તે દિવસે જન્મ લેનારા બાળકમાં ભગવાન શ્રીરામ જેવા ગુણ રહેવાનો મત
- શુભ તારીખ અને સમય કઢાવી તે દિવસે ડિલિવરી માટે અનુરોધ કરતા હોય
- બાળકનો જન્મ શુભ સમય પર થાય તો તેના વ્યક્તિત્વ પર હકારાત્મક અસર પડે
અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય શ્રીરામમંદિરના 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ ગર્ભવતી મહિલાઓમાં આ દિવસે ડિલિવરી કરાવવાનો દેશભરમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ શુભ મુહૂર્તમાં થવાનો છે તેને ધ્યાનમાં રાખીને 22 તારીખની આસપાસ જેમની પ્રસૂતિ થવાની છે તેવી ઘણી સગર્ભાઓ 22મીએ જ સંતાનનો જન્મ થાય તેવું ઇચ્છે છે. તેથી તેઓ ડૉક્ટરને 22મીએ સિઝેરિયનથી ડિલિવરી માટે અનુરોધ કરી રહી છે. તેમને અપાયેલી ડિલિવરીની તારીખ ભલે 22 જાન્યુઆરીથી થોડી વહેલી કે મોડી હોય પણ તેઓ 22મી તારીખને શુભ દિવસ માનીને તે દિવસે બાળકનો જન્મ ઇચ્છે છે.
કાનપુરના એક મહિલા ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું કે ઘણી સગર્ભાઓ અને તેમનો પરિવાર પુરોહિત પાસે શુભ તારીખ અને સમય કઢાવી તે દિવસે ડિલિવરી માટે અનુરોધ કરતા હોય છે. સગર્ભાઓનું માનવું છે કે ભગવાન શ્રીરામ વીરતા, અખંડતા અને આજ્ઞાકારિતાનું પ્રતીક છે. તેથી પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જન્મ લેનારા બાળકોમાં પણ તેવા જ ગુણ હશે. લોકોનું માનવું છે કે બાળકનો જન્મ શુભ સમય પર થાય તો તેના વ્યક્તિત્વ પર હકારાત્મક અસર પડે છે. ધર્મ અને આધ્યાત્મિકતા હકારાત્મક અભિગમ રાખવાની તાકાત આપે છે. જોકે ડૉક્ટર્સનું કહેવું છે કે સગર્ભા સ્ત્રીએ પ્રસૂતિ અંગે જાતે નિર્ણય ક્યારેય ના લેવો જોઇએ કે તે બાબતે ડૉક્ટર પર દબાણ પણ ન કરવું જોઇએ. ડિલિવરી વહેલી કે મોડી કરાવવાથી સગર્ભા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે.


