- હમાસે 5 હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક
- ઇઝરાયેલના એપરેશન દ્વારા 198થી વધુ આતંકીઓને ઢાળી દીધા
- યુક્રેન રશિયા યુધ્ધ શમ્યું નથી ત્યારે મધ્ય પૂર્વમાં અશાંતિનો ભડકો
ઈઝરાયેલની ઉપર એક સાથે 5000થી વધારે રોકેટ છોડવામાં આવ્યા તેવુ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. પેલેસ્ટાઈનના હમાસ જૂથે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી છે. પેલેસ્ટાઈનના ઘણા પેરાગ્લાઈડર પણ ઈઝરાયેલમાં ઉતર્યા છે. ઈઝરાયેલના તંત્ર તરફથી પહેલા જ ચેતવણી જાહેર કરવામાં આવી ચૂકી છે.
હમાસે 5 હજાર રોકેટથી હુમલો કરતા ઇઝરાયેલ બન્યું આક્રમક
મધ્ય યુરોપમાં રશિયા અને યુક્રેનનું યુધ્ધ યથાવત છે. યુધ્ધના પગલે આર્થિક પ્રતિબંધો અને મંદીના વિપરિત પરીણામો દુનિયા આખી ભોગવી રહી છે. ત્યારે આવા સંજોગોમાં મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે નવેસરથી ભડકો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પેલેસ્ટાઇની ઉગ્રવાદી સંગઠન હમાસ માથુ ઉચકી રહયું હતું. ગાઝા પટ્ટી અને ઇઝરાયેલના કબ્જાવાળા પશ્ચિમી તટ (વેસ્ટ બેંક) યુદ્ધનું મેદાન બની ગયું હતું. હમાસને જર્મની, યુરોપિય સંઘ,અમેરિકા અને કેટલાક આરબ દેશો આતંકી સંગઠન માને છે.
ઇઝરાયેલના એપરેશન દ્વારા 198થી વધુ આતંકીઓને ઢાળી દીધા
તાજેતરની લડાઇ યહૂદીઓના તહેવાર સિમચાત તોરાહ દરમિયાન થઇ હતી. પેલેસ્ટાઇનના વિદ્વોહી જૂથ હમાસે ઇઝરાયલ પર બે પાંચ નહી પાંચ હજાર રોકેટ છોડીને હુમલો શરુ કરતા જંગના મંડાણ થયા છે. રશિયા અને યુક્રેન યુધ્ધની જવાળાઓમાં સળગી રહયા છે ત્યારે હમાસનો હુમલો મધ્ય પૂર્વના જીઓ પોલિટિકસને બદલી નાખે તેવો છે. નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલને હવે આક્રમક કાર્યવાહી કરતું રોકવું મુશ્કેલ બનશે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય અસ્થિર વાતાવરણ ધરાવતા ઇઝરાયેલના નાગરિકોમાં પણ ગુસ્સો જોવા મળી રહયો છે. દુનિયા પણ હમાસની કાર્યવાહીને ઉશ્કેરણીજનક માને છે.
હમાસના હુમલા બાદ ઇઝરાયેલનો વળતો પ્રહાર
હમાસના હુમલા બાદ ઇઝરાયેલે પણ વળતો પ્રહાર કરતા 198 પેલેસ્ટાઇનીઓના મુત્યુ થયા છે. ઇઝરાયેલના લડાકુ વિમાનો ગાજા પટ્ટીમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરી રહયા છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની જુની દુશ્મનાવટને ધાર નિકળતા લોહીલૂહાણ પરીસ્થિતિ ઉભી થઇ છે. મે 2021 પછી પ્રથમ વાર ગાજાપટ્ટી વિસ્તારમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત થયા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુ (બીબી) હમાસના હુમલાને યુધ્ધ ગણીને વળતો પ્રહાર કરવાની જાહેરાત કરતા હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ મંત્રણા કે સમાધાનની ફોર્મ્યુલાનો છેદ ઉડી ગયો છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઇ આમ તો સદીઓ જુની છે જે ડિજીટલ યુગમાં પણ અંત આવવાના કોઇ અણસાર જણાતા નથી.
આમ, ઇઝરાયેલના રક્ષામંત્રી યોઆવ ગાલાંતે પ્રતિક્રિયા આપી હતી કે દુશ્મનોએ ઇઝરાયલ સામે યુધ્ધ છેડીને મોટી ભૂલ કરી છે. ઇઝરાયેલનો દરેક સૈનિક દૂશ્મન સામે લડી રહયો છે. હુમલો થતા જ ઇઝરાયેલમાં તેલઅવીવ સહિતના શહેરોમાં યુધ્ધનો શંખનાદ ગૂંજવા લાગ્યો છે. હમાસના હુમલા સામે ઇઝરાયેલ પણ વળતો જવાબ આપી રહ્યા છે.