રવિવારે બનેલી આગની દૂઘર્ટના બાદ મનપા તંત્ર જાગ્યુ
જુના રાજકોટના પરાબજારથી આગળ ઘી કાંટા રોડને અડીને આવેલી બંગડી બજારમાં રહેલી વર્ષો જુની જથ્થાબંધ ભાભા બજારની દુકાનમાં રવિવારે સવારે 10 વાગ્યે લાગેલી આગની ઘટના અને આગ ઠારવા ફાયર બ્રિગેડના વાહનો માંડ માંડ પહોંચી શકયાના ઘટનાક્રમે વધુ એક વખત ગીચ વિસ્તારમાં કેવા જોખમ હોય છે તે સાબિત કર્યુ છે. આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના અનુસંધાને ભાભા બજારમાં દુકાનો સીલ કરવાનું શરૂ થતા વેપારીઓનું ટોળુ મનપા કચેરીએ ધસી આવ્યુ હતુ. વેપારીઓનો રોષ જોયને દુકાનમાંથી માલસામાન કાઢીને ખાલી કરવા માટે એક અઠવાડિયાનો સમય અપાયો છે.
ટીઆરપી અગ્નિ કાંડની ઘટના બાદ પૂરા શહેરમાં ફાયર સેફટી વગરના બિલ્ડીંગ સીલ કરવા ઝુંબેશ ચાલુ છે ત્યારે રાજાશાહી વખતના શહેરના આવા વિસ્તારમાં આગ લાગે ત્યારે મદદ પણ મોડી પહોંચે તેવો ભય પણ છે. આથી આ બિલ્ડીંગનો સર્વે કરી જોખમ સમજતા ફાયર તંત્રએ બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે બપોરે ડે.કમિશ્નરની સૂચનાથી ફાયરની ટીમ ભાભા બજાર બિલ્ડીંગને સીલ કરવા પહોંચી હતી. જે સમયે વેપારીઓ એકઠા થઇ જતા મુદ્દત માંગી છે. ધંધાર્થીઓને માલ સામાન બહાર કાઢવા પૂરતી મુદ્દત અપાયાનું સુત્રોએ કહ્યું હતું. ભાભા બજારમાં ગીફટ આઇટમ, કટલેરી, હોઝીયરી, ઇમીટેશન, રમકડાં સહિતની જથ્થાબંધ વેપારની દુકાનો આવેલી છે. ગઇકાલે આગ લાગી ત્યારે ભાભા બજાર સુધી ફાયર ફાયટરોને પહોંચાડવામાં કોર્પો. તંત્રને પગે પાણી ઉતર્યા હતા. ભાભા બજારના ગેટમાં ફાયર ફાયટર જઇ પણ શકયો ન હતો. બંને તરફથી રસ્તા બંધ કરવા પડયા હતા. હવે પૂરી બજારમાં જોખમ લાગતા સીલ કરવાનું શરૂ કરાયું છે. વેપારીઓને માલ ખાલી કરવા માટે સમય અપાયો છે. એકાદ સપ્તાહમાં પૂરી બજાર ખાલી કરવા કહેવાયું છે. ત્યારબાદ જ્યા સુધી ફાયર સેફ્ટી, એન.ઓ.સી. ન મળે ત્યા સુધી ભાભા બજાર સીલ રહેશે.