ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
હથિયારો સાથે આવેલા શખ્સોએ આતંક મચાવ્યો, વાહનોમાં તોડફોડ કરી : વીડિયો વાયરલ
અગ્ર ગુજરાત, ભચાઉ
સરહદી જિલ્લા કચ્છના ભચાઉ તાલુકાના રામપર ગામે હથિયારધારી ટોળાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રામપરના પૂર્વ સરપંચ સાથેના જૂના મનદુઃખને લઈને મોટી સંખ્યામાં આવેલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં હુમલાખોરોએ 3 થી 4 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ સરપંચ અને સામેના પક્ષ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હથિયારો સાથે આવેલા ટોળાએ માત્ર ફાયરિંગ જ નહીં, પરંતુ પૂર્વ સરપંચના ઘર અને આસપાસના વિસ્તારમાં જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા વાહનોમાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હથિયારધારી લોકો આતંક મચાવતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ સામખીયાળી પોલીસનો કાફલો રામપર ગામે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી અને ટોળા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સામખીયાળી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભચાઉના ગ્રામીણ વિસ્તારમાં જાહેરમાં થયેલા આ ફાયરિંગના બનાવથી લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે. હાલમાં પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડી રહી છે.


