- ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર, મથુરા, સંગમતીર્થો તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી યમુનાસ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે
પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીમાંથી જ યમુનાજીનું સ્વરૂપ પ્રાક્ટય થયું છે. યમુનાજીની કૃપા થાય તો પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવાયોગ્ય બનાવે છે. સ્કંદપુરાણ અનુસાર પ્રાચીનકાળમાં યમરાજાએ તેમની નાની બહેન યમુનાજીને ત્યાં આ દિવસે ભોજન ગ્રહણ કર્યું હતું. યમરાજાએ પોતાની બહેનને વરદાન આપ્યું હતું કે, હે યમુને! આ દિવસે જે પરણેલી બહેન પોતાના ભાઈને સાસરિયાંમાં બોલાવીને પ્રેમથી ભોજન કરાવશે તો તેને યમયાતના ભોગવવી પડશે નહીં. બીજું વરદાન આપ્યું કે હે યમુને! આ દિવસે જે મનુષ્યો તારા પવિત્ર જળમાં સ્નાનપાન કરીને તારું સ્મરણ કરશે તથા સૂર્યનારાયણને અર્ધ્ય આપશે તેને પણ યમયાતનામાંથી છુટકારો મળશે તથા અનેક જન્મનાં પાપો નિર્મૂળ બનશે.
પુરાણોમાં ઉલ્લેખ અનુસાર યમરાજાએ આ દિવસે યમુનાજીના કહેવાથી દરેક કેદીઓને જેલમાંથી મુક્ત કરીને પોતાની બહેનને ત્યાં જવા માટે રજા આપી હતી. ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર, મથુરા, સંગમતીર્થો તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી યમુનાસ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં મહી-વાત્રકના સંગમસ્થાને આ દિવસે મેળો ભરાય છે. વૈષ્ણવ પરંપરામાં યમુનાજીની ભક્તિનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે. ઠાકોરજીની સેવામાં પણ યમુનાજીને પધરાવવામાં આવે છે. યમુનાજીનો પ્રારંભ `કલિંદ’ પર્વત પરથી થતો હોવાથી તેમને `કાલિંદી’ પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણમાં યમુના માહાત્મ્યના વર્ણનમાં જણાવ્યું છે કે યમુનાજી ભક્તિરસનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. યમુનાજી ભક્તિદાતા છે. તેઓ ઠાકોરજી સાથે વૈષ્ણવોનો મેળાપ કરી આપે છે. યમુનાપાન દ્વારા પામર દેહને પ્રભુના અંગસંગનું લૌકિક સુખ મળે છે. યમુનાજી માતા સ્વરૂપ છે. પુષ્ટિ ભક્તો વારંવાર યમુનાસ્નાન કરતા નથી, પરંતુ યમુનાપાન જ કરે છે. તો જ જીવમાં ભક્તિના અંકુરો ફૂટે છે.
પુષ્ટિમાર્ગમાં ઝારીજી ભરતી વખતે યમુનાજીનો પાઠ કરવામાં આવે છે. શ્રીમહાપ્રભુજી યમુનાજીનાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે. જલસ્વરૂપે ગોકુળ મથુરામાં યમુનાજી આધિ ભૌતિક સ્વરૂપે બિરાજે છે. તે સ્વરૂપો સર્વદોષોને મુક્ત કરી મુક્તિ આપનારું સ્વરૂપ છે. ગોલોક ધામમાં શ્રીઠાકોરજીનાં ચોથા પટરાણીનું સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે વ્રજમાં વિહાર કરે છે. યમયાતનાઓથી મુક્તિ આપનારું સ્વરૂપ આધ્યાત્મિક છે. ભૌતિક રવિમંડળમાં બિરાજમાન નારાયણ સૂર્યલોકના આધિ દેવતાર્થ ભિન્ન છે. તેઓ 5રમાત્માનું જ વિશિષ્ટ સ્વરૂપ છે. યમુનાજીની આરાધના ભક્તિ માટેના શ્રીયમુનાષ્ટક, શ્રીયમુનાષ્ટકનાં 108 નામ, શ્રીયમુના વિસપ્તી, શ્રીયમુનાજીનાં 41 પદ તેમજ અનેક સ્તોત્ર છે. ગર્ગસંહિતામાં એ શ્રી યમુનાજીનાં એક હજાર નામ આપવામાં આવ્યાં છે. જે યમુના સહસ્રનામ તરીકે જગવિખ્યાત છે. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી લખે છે. `ન જાતુ યમયાતના’ હે યમુને! તારા પવિત્ર જળમાં સ્નાન કરનાર, તારું પાન કરનાર, તને વંદન કરનાર, તારું સ્મરણ કરનાર, યમુનાષ્ટકનો પાઠ કરનાર જીવ શુદ્ધ બનીને ઠાકોરજીને પ્રાપ્ત કરે છે તથા યમયાતના ભોગવતો નથી. આપણે સૌ આજના ભાઈબીજના પવિત્ર દિવસે શ્રીયમુનાજીનાં ચરણકમળમાં વંદન કરીને કૃતાર્થ બનીએ. જય જય શ્રી યમુને મૈયા!