- રાજસ્થાનના મુખ્યમંત્રીની થઇ જાહેરાત
- ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી
- ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની જીત બાદ મુખ્યમંત્રી કોણ તેને લઇને મનોમંથન ચાલી રહ્યુ હતુ તેનો અંત આવ્યો છે. ભજનલાલ શર્મા ને સીએમ જાહેર કરવામાં આવ્યા છે. તેઓસાંગાનેરથી ધારાસભ્ય છે .જયપુરમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડે સાથે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના નેતાઓ સીપી જોશી, વસુંધરા રાજે અને અન્ય નેતાઓ જયપુરમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
કોણ છે નાયબ મુખ્યમંત્રી ?
દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વાસુ દેવનાનીને વિધાનસભાના સ્પીકર બનાવાયા છે.
ભજન લાલ ભરતપુરના રહેવાસી
ભજનલાલ શર્મા ભરતપુરના રહેવાસી છે. સાંગાનેરની ચૂંટણી લડતી વખતે કોંગ્રેસે તેમના પર બહારના વ્યક્તિ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે આ પછી પણ ભજનલાલ શર્મા સાંગાનેરમાં જંગી માર્જિનથી જીત્યા છે. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે. રાજસ્થાનમાં રાજકીય પંડિતો તેમને સીએમની રેસમાં જનરલ કેટેગરીના મજબૂત ચહેરા તરીકે માની રહ્યા છે. તેઓ જયપુરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે,
કાર્યાલય બહાર લોકોનો જમાવડો
જયપુરમાં બીજેપી કાર્યાલય બહાર ભાજપના કાર્યકરોનો ભારે મેળાવડો જોવા મળી રહ્યો છે. નવા સીએમનું નામ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.
વસુંધરા રાજે ગયા હતા દિલ્હી
મહત્વનું છે કે ચૂંટણી પરિણામની જાહેરાત બાદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. વસુંધરાએ ચૂંટણી જીત બાદ પાર્ટીના ઘણા ધારાસભ્યોને ડિનર પાર્ટી આપી હતી, જેને દબાણની રાજનીતિ તરીકે જોવામાં આવી હતી. જોકે, નડ્ડાને મળ્યા બાદ વસુંધરાનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગ્યું અને તેમણે પોતાને પાર્ટીની શિસ્તબદ્ધ કાર્યકર ગણાવી હતી
દસ વર્ષ સુધી પ્રદેશ મહામંત્રી
ભજનલાલ શર્મા દસ વર્ષથી ભાજપના પ્રદેશ મહામંત્રી છે. આ પહેલા તેઓ બોર્ડના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ગત ચૂંટણીમાં પાર્ટીએ ટિકિટ આપી ન હતી
2003માં તેઓ ભરતપુરની નાબાઈ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ છ હજાર મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2018માં શર્માએ ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ તેમની માંગને અવગણી હતી.


