પી.વી.દોશી પરિવારના પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ રહેતી
અડવાણી ડો.પી.વી.દોશી અને ડો.પ્રફુલ દોશીએ બનાવેલુ દાંતનું ચોખઠું પહેર્યુ છે
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની ગોળધાણા (સગાઇ) વિધિમાં પણ હાજર રહ્યા હતા
રાજકોટ ભારતના રાજકીય નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેની પાછળ દેશના ટોચના નેતા અટલ બિહારી વાજપેયી અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના રાજકોટના અગ્રણીઓ સાથેના પારિવારિક સંબંધોનું ખૂબ મોટુ પ્રધાન છે. આવા નામોમાં ચિમનભાઇ શુકલ, અરવિંદભાઇ મણિયાર, કેશુભાઇ પટેલ, સંઘના ડો.પી.વી.દોશી સહિતના લોકોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ભારત રત્નનું બહુમાન મેળવનાર ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના રાજકોટ સાથે ગાઢ સંબંધો રહ્યા છે. ચિમનભાઇ શુકલ, અરવિંદભાઇ મણિયાર તથા ડો.પી.વી.દોશીના ઘેર તેઓ રાજકોટની મુલાકાત દરમિયાન અચૂક ગયા છે. આ પરિવારો સાથે તેની યાદોની મોટી વણઝાર છે. ડો.પ્રફુલ દોશીના પુત્રી અને રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે અડવાણીજીની તેમના પરિવાર સાથેની યાદો ‘અગ્ર ગુજરાત’ પરિવાર સાથે શેર કરી છે.
લાલકૃષ્ણ અડવાણીને રાજકોટના ડો.પી.વી દોશી સાથે તેમને પારિવારિક સંબંધો હતા.આ વાતની યાદ તાજી કરતા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, “અડવાણીજી દાંતની ટ્રીટમેન્ટ હંમેશા મારા પપ્પા અને દાદા પાસે જ કરાવી છે. તેઓ દાંતનું ચોકઠું પહેરતા એ પપ્પા અને દાદાએ કર્યુ છે. આ માટે તેઓ દિલ્હી થી ખાસ અહી આવ્યા હતાં. રાજકોટમાં આવતા ત્યારે અમારા ઘરે જ નિવાસ કરતા અને પરિવારના સભ્યની જેમ જ રહેતા. જ્યારે પણ તેઓ અમારા ઘેર આવ્યા છે ત્યારે તેમનો ખૂબ જ લાગણી ભર્યો વહેવાર રહ્યો છે. એક વખતના દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં તેમના વાણી વર્તનમાં કદી જ અહંકાર જોવા મળ્યો નથી. અમે નાના હતા પણ તેઓની અનેક યાદ આજે પણ તાજી થાય છે.મારા ગોળધાણા ખાવાના સમયે પણ તેઓ હાજર રહ્યા હતા તે અમારા પરિવાર માટે ખુશી અને ગૌરવની ક્ષણ હતી. ગોળ ધાણાની વિધિમાં તેઓ છેલ્લે સુધી હજાર રહ્યા અને આશીર્વાદ આપ્યા હતા.આ મારા જીવનની ખૂબ અમૂલ્ય ક્ષણો હતી.
દાદા ડો.પી.વી દોશી અને પપ્પા ડો.પ્રફુલભાઈ દોશી બંને પાસે તેઓ દાંતની ટ્રીટમેન્ટ બંને પાસે કરાવતા.એકદમ પારિવારિક સંબંધો હતા,ઘર જેવા સંબંધ હતા,લાગણીભીના સંબંધ હતા. અડવાણી જી,અટલજી અને મોદી જી વગેરે સાથે પરિવારના વિશેષ અને લાગણીભર્યા સંબંધો હતા.
તાજેતરમાં તેઓને ભારતરત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ત્યારે ખૂબ હર્ષની લાગણી થાય છે.અડવાણીજી જેવા વર્ષોથી રાષ્ટ્રસેવા માટે કામ કરતા,નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિને આ સન્માન આપવામાં આવ્યું છે, તે ખૂબ આનંદની વાત છે.ખરા અર્થમાં ભારતના રત્નને આ ભારતરત્ન આપવામાં આવ્યો છે.”