- એક અમેરિકન મેગેઝીને ભારતવંશીને આપ્યું ખાસ સન્માન
- શિકાગોની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ રાજા કૃષ્ણમૂર્તિ
- સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને શિકાગો મેગેઝિને આપ્યો 24મો રેન્ક
વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ભારતીયોના ખમીરને આખી દુનિયા જાણે જ છે. એક અમેરિકન મેગેઝીને આવા જ એક ભારતીયને ખાસ સન્માન આપ્યું છે. તેમને શિકાગોની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકાના શિકાગો મેગેઝિને શિકાગોની 50 સૌથી શક્તિશાળી હસ્તીઓની રેન્ક જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિકાગો મેગેઝિને રાજા કૃષ્ણમૂર્તિને 24મો રેન્ક આપ્યો છે.
શિકાગો અમેરિકાના ઇલિનોઇસ રાજ્યનું સૌથી મોટું શહેર છે. મેગેઝીને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિત્ઝકરને પોતાની લિસ્ટમાં પ્રથમ સ્થાન આપ્યું છે. શિકાગોના મેયર બ્રેન્ડન જોન્સન બીજા સ્થાને છે. રાજા કૃષ્ણમૂર્તિ આ લિસ્ટમાં સામેલ થનાર દક્ષિણ એશિયન મૂળના પહેલા વ્યક્તિ પણ છે. 2016માં કૃષ્ણમૂર્તિ ઇલિનોઇસના ડિસ્ટ્રિક્ટ-8માંથી હાઉસ ઓફ રિપ્રેઝનટેટીવ માટે ચૂંટાયા હતા.
દક્ષિણ એશિયન મૂળના સૌથી શક્તિશાળી વ્યક્તિ
રાજા કૃષ્ણમૂર્તિ 2026 માં યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટ માટે પણ ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. એવા અહેવાલો છે કે જો ડિક ડર્બિનના નિવૃત્ત થતાંની સાથે જે કૃષ્ણમૂર્તિ ડેમોક્રેટ વતી સેનેટની ચૂંટણી લડી શકે છે. એક રાજકીય સલાહકારે જણાવ્યું છે કે રાજા કૃષ્ણમૂર્તિ દેશના સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક છે. તેમણે શિકાગોમાં કૃષ્ણમૂર્તિને દક્ષિણ એશિયાઈ મૂળના ‘સૌથી શક્તિશાળી’ વ્યક્તિ તરીકે પણ ગણાવ્યા છે.
શિકાગો મેગેઝિને લખ્યું છે કે તેઓ વિવિધ મુદ્દાઓની તપાસ માટે રચાયેલી હાઉસ ઓવરસાઇટ સબકમિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમના પ્રચાર ફંડમાં 1.44 કરોડ ડોલર કરતાં વધુની રકમ છે, જે ઇલિનોઇસના કોઈપણ ધારાસભ્ય કરતાં ત્રણ ગણી વધારે છે. મેગેઝિને એમ પણ લખ્યું છે કે કૃષ્ણમૂર્તિ 2026માં સેનેટની ચૂંટણી લડવા માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. વર્ષ 2022માં, કૃષ્ણમૂર્તિએ ડેમોક્રેટ્સ અને ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીને 4.60 લાખ ડોલરની રકમ દાનમાં આપી હતી.


