- ગોવાથી ગોધરા દારૂ લઇ જતાં બે કેરાલિયન ઝડપાયા, 4 સામે ગુનો નોંધાયો
- કરજણ પોલીસે કુલ રૂા. 1.06 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
- વડોદરા તરફ્ની ટ્રેકના ટોલબુથ પહેલા વાહન ચેકીંગમાં હતા
કરજણ તાલુકાના ને.હા.48 પર આવેલ ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે. એક ટેમ્પામાં ભરી ગોવાથી ગોધરા તરફ્ લઈ જવાતો અધધધ કહી શકાય એવો રૂા. 95.96 લાખનો વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડી બે ઇસમની અટકાયત કરી કુલ ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી રૂા.1.06 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા એલસીબીની ટીમ કરજણ તાલુકાના ને.હા.48 પરના ભરથાણા ટોલનાકે ભરુચથી વડોદરા તરફ્ની ટ્રેકના ટોલબુથ પહેલા વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન ભરુચ તરફ્થી એક ટાટા ટેમ્પોનો ચાલક પોલીસને વાહન ચેકિંગ કરતા દુરથી જોઇ જતા પોતાનો ટેમ્પો ઉભો કરી દીધો હતો. જેથી તેના ઉપર પોલીસને શંકા જતા ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઇવર તથા તેની સાથે બીજો એક ઇસમને ટેમ્પામાં શુ ભરેલ છે તે બાબતે પુછતા બંને જણાએ ટેમ્પામાં પાછળ રાખેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હક્કીત જણાવતા પોલીસે ટેમ્પાને બંને ઇસમો સાથે કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. પોલીસે તપાસ કરતા ટેમ્પોના પાછળના ભાગે રાખેલ કન્ટેનરમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના દારૂ સાથે રૂા. 1,06,18,600 (એક કરોડ છ લાખ અઢાર હજાર છસ્સો)ના મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પાના ચાલક અથુલ ગંગાધરણ પીલ્લઇ (ઉવ. 36 રહે, ચાપરાયલ વીલા કોન્ગાલ તા. પરવુર જી. કોલ્લમ, કેરલા) અને બીજો ઇસમ અનીશકુમાર ઉન્ની હીરાવા (ઉવ. 30 રહે, નીથુ ભવન કુલાથુરકોનમ પુથેનકુલમ પોસ્ટ ચીરાકારા જી. કોલ્લમ, કેરલ)ની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર સુધી નામનો ઇસમ તેમજ મદદગારી કરનાર રાજેશ કરુણાકરન (રહે. તિરુવનંતપુરમ) નામનો ઇસમ એમ ચાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


