ભરૂચની નર્મદા નદીના કિનારે સ્થિત પૌરાણિક ભૃગુઋષિ મંદિર એક અદભૂત આદ્યાત્મિક પ્રસંગ માટે સાક્ષી બન્યું. આ મંદિરના પરિસરમાં લિંગ સ્વરૂપે ચતુર્વેદ-ઋગ્વેદ, યજુર્વેદ-સામવેદ અને અથર્વવેદ-બિરાજમાન કરાયા છે. સમગ્ર ભારતવર્ષમાં કદાચિત આ પ્રકારનું લિંગ સ્વરૂપે ચતુર્વેદનું સ્થાપન અનોખું છે, જે ભરૂચની ધરતીને વિશિષ્ટ બનાવે છે.
કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલને એક ઉમદા વિચાર આવ્યો કે મોટાભાગના લોકોએ ગ્રંથ સ્વરૂપે વેદોનું જ્ઞાન મેળવ્યુ છે અને જોયા છે વાંચ્યા છે, પરંતુ લિંગ સ્વરૂપે સ્થાપિત ચતુર્વેદના દર્શનનો લ્હાવો બહુ ઓછાને મળ્યો છે. આથી તેમણે વિચાર્યુ કે લિંગ સ્વરૂપ વેદોને ગ્રંથ સ્વરૂપ વેદોની ભેટ કરાવી એક અનોખું સંમિલન કરવું જોઈએ. મંદિરમાં સ્થાપિત લિંગ સ્વરૂપ વેદોને લાયબ્રેરી સુધી લાવવું શક્ય ન જ બને પણ ગ્રંથ સ્વરૂપ વેદો તો મંદીર સુધી લઈ જઈ શકાયને ? આથી આ વિચારને સાકાર કરવા માટે લાયબ્રેરીમાં સ્થાન પામેલા ચારેય વેદોના ગ્રંથો તથા વિશાળ શબ્દ વેદ ગ્રંથ, જેમાં કુલ ચતુર્વેદ સમાયેલ છે, મંદિર સુધી લઈ જવામાં આવ્યા ત્યાં લિંગ સ્વરૂપ વેદ સાથે તેમનું અનોખું મિલન કરાવાયુ.
આ ઘટના માત્ર ધાર્મિક રીતે જ નહી પરંતુ આદ્યાત્મિકતા અને જ્ઞાનનું સંગમ પણ બની. આ પ્રસંગે ચોકસી પબ્લિક લાયબ્રેરી તરફથી સંદેશ આપવામાં આવ્યો કે જ્ઞાન અને આદ્યાત્મિકતા એકબીજાના પૂરક છે. આ આદ્યાત્મિકતા ઘટના થકી નવી પેઢીને વેદ-પુરાણોના મહત્વની સમજ આપવાનો એક સશકત પ્રયાસ છે. ગ્રંથપાલનું માનવું છે કે, શબ્દ અને સ્વરૂપનું મિલન સમાજને નવી પ્રેરણા અને નવી દિશા આપે છે. નવી પેઢીના યુવાનો તથા બાળકોમાં આપણા પવિત્ર ગ્રંથો વિષે જાણવાની ઈચ્છા જાવૃત થાય છે. આપણા આદ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મદદરૂપ થશે.


