- જિલ્લાની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ
- ફાયર સિલિંડરની તારીખ પણ વિતી ગઈ હોઈ ધૂળ ખાય છે!
- કલેકટર કચેરી ખાતે તાત્કાલિક ફાયર સિલેન્ડર રીન્યુ કરવામાં આવ્યા
નર્મદા જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત ભવન સહીત તાલુકા મથકો પર તમામ સરકારી કચેરીઓ બહુમાળી મકાનો છે, પરંતુ એક પણ કચેરીઓમાં જે નિયમ મુજબ ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ તે નથી. જિલ્લાને કાયદાનું પાલન કરાવનાર જિલ્લા તંત્ર માત્ર સિલિન્ડરો મૂકી ફાયર સેફ્ટી બરોબર છે એવો સંતોષ માણે છે,
જો જિલ્લા કચેરી ખાતે એકદમ આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાય ત્યારે કદાચ આ ફાયર સેફ્ટીના સિલિન્ડર પણ કોઈ કામ ન આવે. કચેરીમાં એકપણ જગ્યાએ પાણીની પાઈપ લાઈન પણ નાખી નથી.
તાલુકા કક્ષાની એકપણ કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો નથી. જિલ્લા પંચાયતમાં પણ સિલિન્ડરો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ત્યારે ફાયર સેફ્ટી બાબતે નર્મદા જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
સિલિંડર રિફ્લિ કરવા આદેશ અપાયા
નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંઘાડે જણાવ્યુ હતુ કે જિલ્લાની તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટી સુરક્ષા અંગે તાકીદે જાણ કરાઈ છે અને કચેરીમાં ફાયર સેફ્ટીનાં સિલિન્ડરો રિફ્લિ કર્યા ન હોય તો રિફ્લિ કરવા આદેશ અપાયા છે. કલેકટર કચેરી ખાતે તાત્કાલિક ફાયર સિલેન્ડર રીન્યુ કરવામાં આવ્યા. વધુમાં જિલ્લામાં દોડતી સી.એન.જી રીક્ષાઓ અને સ્કૂલ વાનની પણ ચકાસણી કરવા આદેશ આપ્યા છે.


