- ભરૂચમાં સંકલનની બેઠકમાં મનસુખ વસાવાનો ગુસ્સો ફૂટયો
- પુરવઠા અને ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓને આડે હાથ લીધા
- સંકલન સમિતિની બેઠકમાં સાંસદે અઘિકારીઓને ખખડાવ્યા હતા.
ભરૂચ લોકસભાની ચુંટણીમાં 3.34 લાખની લીડ ઘટીને 85 હજાર પર આવી જતા સાંસદ મનસુખ વસાવાનો રોષ સંકલન સમિતિની બેઠકમાં ફુટી નીકળ્યો હતો. સાંસદે ખાસ કરીને પાણી-પુરવઠા વિભાગ અને ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓને આડે હાથ લીધા હતા. અધિકારીઓ ઉદ્યોગપતિઓનાં ગુલામ થઈ ગયા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરતા સંકલનની બેઠકમાં ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારીઓમાં સન્નાટો મચી ગયો હતો.
તાજેતરમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ચૂંટણી બાદની આ પ્રથમ સંકલન બેઠક હોવાથી ચૂંટણીના પરિણામોના પડઘા આ બેઠકમાં પડયા હતા. સાંસદ મનસુખ વસાવા આ બેઠકમાં ભારે આક્રમક અને રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ ખાણ ખનીજ વિભાગ અને પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓનો ઉઘડો લઈ લીધો હતો. જયારે નલ સે જલ યોજનાની પોલ પણ ખોલી નાખી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, નલ સે જલ યોજનાં હેઠળ ઝઘડીયા અને વાલિયા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં લોકોના ઘરો સુધી નળ કનેકશન અને પાણી બંન્ને પહોંચ્યા નથી જેના કારણે મતદારોએ ભાજપ વિરૂધ્ધ મતદાન કર્યુ અને તેના માટે જવાબદાર પાણી પુરવઠા વિભાગ છે. તેમણે કરજણ લીફટ ઈરીગેશન યોજનાને પણ નિષ્ફળ ગણાવી દીધી છે.
ખાણ ખનીજ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ભરૂચમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટતંત્ર તેમને સુરક્ષા આપી રહ્યુ હોવાની ફરિયાદો ભૂતકાળમાં સાંસદ દ્વારા અવારનવાર કરવામાં આવી હતી. દરમ્યાન ભરૂચના ભૂસ્તર શાસ્ત્રી નરેશ જાની સુરત ખાતે એસીબીની ટ્રેપમાં આવી ગયા બાદ સાંસદે સંકલનની બેઠકમાં આ બાબત પુરવાર કરવાની કોશિષ કરી હતી કે, ખાણ ખનીજ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ તેમને છાવરી રહ્યા છે.
સાંસદ સાથે ધારાસભ્યોએ પણ સૂર પુરાવ્યો
સંકલનની બેઠકમાં સાંસદ આક્રમક બનતા તેમની સાથે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતનાં ધારાસભ્યોએ પણ સૂર પુરવતાં ઉપસ્થિત અધિકારીઓ સન્ન થઈ ગયા હતા. ખાણ ખનીજ વિભાગ, પાણી પુરવઠા વિભાગ ઉપરાંત અન્ય વિભાગનાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠયા હતા.
ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ અને સામાન્ય લોકોને ખવડાવાતા ધરમધક્કા
સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓની હાલત કફોડી બની ગઈ હતી. સાંસદે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ક્વોરીવાળા, લીઝધારકો સહિત ઉદ્યોગપતિઓ અને વેપારીઓના કામ કરવા માટે અધિકારીઓ લાલ જાજમ પાથરતાં હોય છે જયારે સામાન્ય લોકોના કામ કરવામાં અધિકારીઓ અને કર્મચારીઓ રીતસરના ઠાગાઠૈયા કરી અરજદારોને ધરમધક્કા ખવડાવતાં હોય છે.


