- અડધી રાતે વારંવાર પુરવઠો ખોરવાતા અધિકારીનોઘેરાવો કર્યો
- ઉંચેડિયા, નાનાસાંજા, ગોવાલી અને મુલદના ખેડૂતોએ હંગામો મચાવ્યો
- રાજપારડીની સોસાયટીના રહીશોએ હલ્લાબોલ કર્યો હતો.
ઝઘડિયા બાદ હવે રાજપારડી ગામે પણ નગરજનો વારંવાર વિજળી વેરાન થતા ત્રાહિમામ પોકાર્યા છે. અવાર નવાર વીજ વેરણ થતાં રાજપારડી ગામે આજે નગરજનોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.
ઉનાળાની આકરી ગરમીમાં રાત્રી તેમજ દિવસના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો રોષે ભરાયા છે. વીજ મથકે જાણ કરતા ફરજ દરમિયાન કેટલાક વીજ કર્મચારીઓ નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરી અધિકારીઓ સામે બળાપો કાઢયો હતો. ઝઘડિયા તાલુકાના ઉંચેડિયા, નાનાસાંજા, ગોવાલી અને મુલદ મળી ચાર ગામના ખેડૂતોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે વીજ પુરવઠો અનિયમિત થતા હંગામો મચાવ્યો હતો. તો બીજી બાજુ આજે ઝઘડિયા તાલુકા ના રાજપારડી ગામે પણ કંઇક આવો જ નજારો જોવા મળ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજમાંગ પણ વધી રહી છે. તાલુકામાં કેટલાય સ્થળો ઉપર પુરતો વીજ પુરવઠો નહીં મળતા વીજ ઉપકરણોમાં પણ ક્ષતિ થઇ રહી હોવાની પણ મોટી બુમો પડી રહી છે.
રાજપારડી નગરમાં ગતરોજ રાત્રે દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીના રહીશોએ રાજપારડી સ્થિત વિજકચેરી પહોંચી હલ્લાબોલ કર્યો હતો, સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનું સમરકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી, તો વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોકાવનારા આક્ષેપ કર્યા હતા. અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસિવ કરતા નથી, તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા.
ઉશ્કેરાયેલા ગ્રામજનો દ્વારા વીજ કંપનીની રાજપારડી ઓફ્સિના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે જવાબદાર અધિકારીઓ દ્વારા વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે તેવા ચોક્કસ પ્રયત્નો કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. ભારે અફરાતફરી મા માહોલ બાદ હેમખેમ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. હવે જોવું રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી વીજ કંપની આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલીયાવાડી ના કારણે ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં શેકાવાનો જ વારો આવશે.


