- રેલ્વે પ્લેટ ફોર્મ પર આધુનિક સગવડ ઊભી કરવામાં બ્રિજ બંધ
- રેલવે ટ્રેક ક્રોસિંગ કરતા જીવલેણ અકસ્માત સર્જાવવાની શકયતા
- ભરૂચના રેલ્વે સ્ટેશન પર ફુટઓવર બ્રિજના નિર્માણનો પણ એક ઈતિહાસ
ભરૂચ રેલ્વે સ્ટેશન ફુટઓવર બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ નગરજનોને કે આસપાસની જનતાને કોઈપણ જાતની સુચના આપ્યા વિના ફુટઓવર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ પંથકમાં રેલ્વે તંત્રની ટીકા થઈ રહી છે. જો કે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એકસીલેટર અને અન્ય સગવડો રેલ્વે પ્લેટફોર્મ પર ઉભી કરવા માટે ભરૂચ રેલ્વે સ્ટેશન પરનો ફુટઓવર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ કેટલા દિવસ સુધી બંધ કરાયો છે તેની વિગત આપવામાં આવી નથી.
ભરૂચના રેલ્વે સ્ટેશન પર ફુટઓવર બ્રિજના નિર્માણનો પણ એક ઈતિહાસ છે. જેમાં ભરૂચની કોલેજોમાં જતા આવતા વિદ્યાર્થીઓ જયારે ફુટ ઓવર બ્રિજ ન હતો ત્યારે રેલ્વે ક્રોસીંગ કરીને જતા હતા જેના પગલે ખુબ જીવલેણ અકસ્માતો બનતા હતા. અચાનક જ એક મહિનામાં ત્રણ થી ચાર જેટલા કોલેજના વિદ્યાર્થીઓ સુપર ફાસ્ટ ટ્રેનોની અડફેટે આવી જતા જે તે વખતે ખુબ ઓહાપોહ થઈ ગયો હતો. પરિણામે ભરૂચ અને મુંબઈના દાતાઓએ ભેગા થઈ ભરૂચ રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજના નિર્માણ અંગેના પ્રયાસો કર્યા હતા.
અત્રે નોંધવુ રહ્યુ કે કોલેજના વિદ્યાર્થીઓએ રેલ્વે ક્રોસીંગ કરી કોલેજમાં જવુ પડતુ હતુ. કેટલીકવાર જતી આવતી સુપર ફાસ્ટ ટ્રેનને જોવામાં વિદ્યાર્થીઓ નિષ્ફળ જતા કેટલાક વિદ્યાર્થીઓ આ ટ્રેનની અડફેટમા આવી જતા મોત નિપજયા હોવાના કરૂણ બનાવો બન્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે, બીજો કોઈ વિકલ્પ પણ ન હતો અને તેથી એમ કહી શકાય કે, જે તે સમયે રેલ્વે ક્રોસીંગ કરવુ જરૂરી થઈ પડયુ હતુ.
હવે જયારે રેલ્વેના આધુનિકરણ કરવામાં એટલે કે રેલ્વે પ્લેટ ફોર્મ આધુનિક સગવડ મુસાફરો માટે ઉભી કરવા માટે ફુટ ઓવર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે પાંચબત્તીથી કોલેજ તરફ જતા અને આવતા વિદ્યાર્થીઓ રેલ્વે ટ્રેક ક્રોસીંગ કરે તેવી સંભાવના છે.
જો કસક ગરનાળા પરથી વિદ્યાર્થીઓ કે વેપારીઓ અવરજવર કરે તો તે ખુબ લાંબુ અંતર કાપવુ પડે અને સમયનો વ્યય થાય. આવી પરિસ્થિતિમાં હાલ જયારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે ફુટ ઓવર બ્રિજ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ અન્ય ક્ષેત્રમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્લેટફોર્મ પરથી જઈ શકાય તેવો વિકલ્પ
ભરૂચ નગરના પાંચબત્તી તરફના વિસ્તારમાં આવતા લોકોને જો શિતલ ગેસ્ટ હાઉસ સર્કલ તરફ જવુ હોય તો તેઓએ ભરૂચના રેલ્વે પ્લેટફોર્મ નં 1 ઉપર આવવુ પડે અને તેના પર આવેલ ફુટબ્રિજ કે જે સામાન્ય રીતે રેલ્વેના મુસાફરો માટે બનાવાયો છે તેના પરથી પસાર થઈ શિતલ સર્કલ તરફ જવુ પડે છે. હવે જયારે મુખ્ય ફુટ ઓવર બ્રિજ બંધ કરી દેવાયો છે ત્યારે રેલ્વે તંત્ર પ્લેટફોર્મની ટિકીટ ન હોય તેવા અને પ્લેટફોર્મ નંબર 1 થી શિતલ સર્કલ તરફ રાહદારીઓને જવા દેવા પડે. જો કે રેલ્વે તંત્ર દ્વારા હજી કોઈ સુચના આપેલ નથી.


