ભરુચ ના ઝાડેશ્વર માં ઉલટી ગંગા જોવા મળી જેમાં રહીશની જમીન માં ગ્રામ પંચાયતે રોડ બનાવી દબાણ કર્યું હતું. જે સામે ન્યાયાલયના દ્વાર ખખડાવતા કોર્ટે ફરિયાદી તરફે હુકમ આપ્યો હતો જેના પગલે તંત્ર દોડતુ થયુ હતુ અને ખાનગી માલિકીની જમીન ઉપર ગ્રામ પંચાયતે કરેલ ગેરકાયદે દબાણ (રોડ) દુર કરવામાં આવ્યુ હતું.
ઝાડેશ્વર ના પ્રજાપતિ ફ્ળિયામાં રહેતા ગિરીશભાઈ પ્રજાપતિની જમીન માં તત્કાલીન સરપંચ દ્વારા 2006 માં દોઢ મીટરનો ગેરકાયદે રોડ બનાવી દેવામાં આવ્યો હતો. પોતાની જમીન પર થયેલ આ દબાણ સામે ગિરીશ ભાઈએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.અંતે થાકી હારીને તેઓએ કોર્ટના દ્ધાર ખખડાવ્યા હતા. જેમાં જમીનની માલિકીના પુરાવાઓ સહિત જરૂરી અન્ય દસ્તાવેજી પુરાવાઓ તેઓએ રજૂ કરી જમીનની માલિકી પુરવાર કરી હતી.જોકે લગભગ ઓગણીસ વર્ષની લાંબી લડત બાદ ત્રીજા એડીશનલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ્ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ. કોર્ટ દ્વારા ગ્રામ પંચાયત ઝાડેશ્વર દ્વારા થયેલ અતિક્રમણ અંગે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર ભરૂચને દબાણ દૂર કરવાનો હુકમ કરી કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી રીપોર્ટ કરવા જણાવ્યું હતું.
કોર્ટના હુકમના પગલે ઝાડેશ્વર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે હાલના સરપંચની ઉપસ્થિતિમાં ગેરકાયદે બનાવી દેવામાં આવેલ રોડ ને જેસીબી સહિતની સામગ્રીથી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઓગણીસ વર્ષની લાંબી લડત બાદ ન્યાય મળતા જમીન માલિક ગિરીશભાઈ પ્રજાપતિએ આ કામગીરીને આવકારી સત્યની જીત થઈ હોવાનું કહ્યું હતું.
સામાન્ય રીતે તંત્ર દ્વારા ગેર કાયદે દબાણો દૂર કરવામાં આવતા હોય છે પણ અહીં ખુદ પંચાયત દ્વારા કરવામાં આવેલ ગેરકાયદે દબાણ દૂર કરવાની ફરજ કોર્ટના હુકમના પગલે પડી હતી.


