ભરૂચ જિલ્લાના દહેજ નજીક સામંતપોર ગામે આવેલી અથર્વ શેષા એન્વાયરો કંપનીમાં કડિયાકામ માટે આવેલા મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારના બે બાળકોને સિમેન્ટ મિક્ષર મશીને કચડતા બન્ને બાળકોના સ્થળ ઉપર જ મોત થયા છે. બન્ને બાળકો સગા ભાઇ બહેન હતા. મિક્ષર ચાલક મુળ ઉત્તર પ્રદેશનો રહેવાશી છે અને દુર્ઘટના બાદ તે ફરાર છે.
મધ્યપ્રદેશના રાનાપોરના વતની નરેશ છગન મેડા તેના પરિવાર સાથે રોજીરોટી કમાવવા માટે વાગરા તાલુકાના સાંમતપોર ગામે આવ્યાં હતાં. તેઓ ત્યાં આવેલી અથર્વ શેષા એન્વાયરો કંપનીમાં કડિયાકામ કરતાં હતાં. નરેશ તેમજ તેમની પત્ની રેણૂંકા તથા અન્ય લોકો રાત્રીના આઠેક વાગ્યે જ્યાં કામ કરી રહ્યાં હતાં. ત્યાં તેમની 7 વર્ષની પુત્રી રમિલા તેમજ 1 વર્ષનો પુત્ર વૈદિક તેમના કામના સ્થળ પાસે કાચા રસ્તા પર રમતાં હતાં. તેઓ કોલમના બીમ ભરવાના કામે લાગેલાં હતાં. અરસામાં ત્યા એક મિલર મિક્ષર મશીન માલ ભરીને આવ્યું હતું. કંપની સંકુલમાં વાહનો ધીમે અને તકેદારી રાખી ચલાવવા માટે ડ્રાઈવરોને તાકીદ કરવામાં આવે છે. તેમ છતાં મિલર મિક્ષર મશીનના ચાલકે માલ ખાલી કર્યાં બાદ આઠેક વાગ્યાના અરસામાં પરત જવા માટે ત્યાંથી પુરઝડપે તેનું મિક્ષર મશીન લઈને નિકળ્યો હતો. જોકે, તે સમયે કંઈક અથડાવાનો અવાજ આવતાં નરેશ અને તેની સાથેના કામદારો તે દિશામાં દોડી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં નરેશના બે સંતાનો જેમાં તેમની 7 વર્ષની પુત્રી રમિલા તેમજ 1 વર્ષનો પુત્ર વૈદિક ત્યાં પડેલાં જણાયાં હતાં. તેમણે નજીક જઈ જોતાં તેમની પુત્રી રમીલાના માથા પરથી મિલર મિક્ષર મશીનનું ટાયર ફરી વળ્યું હતું. જ્યારે તેમનો એક વર્ષના પુત્રને પણ હલાવી જોતાં તે કોઈ પ્રતિક્રિયા આપતો ન હોઈ ગંભીર ઈજાઓને કારણે તેનું પણ સ્થળ પર જ મોત થયું હોવાનું માલુંમ પડયું હતું.અકસ્માત સર્જીને ભાગી ગયેલાં મિલર મિક્ષર મશીનના ચાલકને પકડવાની કોશિષ કરતાં તે વાહન મુકી નાસી છુટયો હતો. જોકે, તેનુ નામ શમ્પુ રામકુમાર ભારતી (રહે. સોનભદ્ર, યુપી) હોવાનું માલુમ પડયું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


