- મોટર સાઇકલ હંકારી યુવાન અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો
- મૃતકના ખિસ્સામાંથી ચૂંટણી કાર્ડ મળી આવતા તેની ઓળખ થઈ
- યુવાનનું ગંભીર ઈજાના પગલે તેનુ સ્થળ પર કરૂણ મોત નિપજયુ હતુ
ભરૂચ નજીક નર્મદાનદી પરના નર્મદા મૈયા બ્રીજ પરથી પુરઝડપે એસ.ટી.બસો અવરજવર કરી રહી છે. જેના પગલે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. આજરોજ એક એસ.ટી.બસનો અકસ્માત મોટર સાયકલ સાથે થતા બાઈક પર સવાર તબલાવાદક યુવાનનું ગંભીર ઈજાના પગલે તેનુ સ્થળ પર કરૂણ મોત નિપજયુ હતુ.
બનાવ અંગે વિગતે જોતા ભરૂચ નજીકના નર્મદા મૈયા બ્રિજ પરથી એસ.ટી.બસો પુરઝડપે હંકારાઈ છે ત્યારે આજરોજ ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મોટરસાયકલ સવાર નિખિલ જયદીપ સોલંકીની બાઈકને એસ.ટી.બસ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતના બનાવમાં એસ.ટી.બસે રીક્ષાને પણ અડફેટમાં લીધી હોવાનું જાણવા મળે છે. બનાવમાં કરૂણ મોત પામનાર યુવાનના ખિસ્સામાંથી ચુંટણી કાર્ડ મળી આવતા તેની ઓળખ થઈ હતી.
આ ઓળખના પગલે નિખિલ સોલંકીના સગા-સંબંધીને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. આ બનાવ વાયુવેગે આનંદ નગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓમાં ફેલાતા સમગ્ર વિસ્તારમાં શોકનુ વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. બનાવના સ્થળે જ યુવાનનું કરૂણ મોત થતા સામાજીક સેવક ધર્મેશ સોલંકી અને તેમના કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા અંગેની તેમજ પોલીસ તંત્રને જાણ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરી હતી. આ બનાવમાં એસ.ટી.બસના ડ્રાઈવરમાં જાણે કે માનવતા મરી પરવારી હોય તેમ તે પુરઝડપે એસ.ટી.બસ લઈ ફરાર થઈ ગયો હતો. નર્મદા મૈયા બ્રિજ પરથી એસ.ટી.બસોની સ્પીડ ઘટાડવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે. એટલુ જ નહી પરંતુ એસ.ટી.તંત્ર દ્વારા મિટીંગ કરી ડ્રાઈવરોને આ અંગે યોગ્ય સુચના આપવી જોઈએ તેવી લોકમાંગ ઉભી થઈ છે.


