ભાવનગરમાં આર્થિંક ભીંસથી અલંગના વેપારીનો મસ્જિદમાં ફાંસો ખાઇ આપઘાત
ઉછીના આપેલા પૈસા પરત નહી આવતા આર્થિક તંગીથી ભરેલુ પગલુ : સ્યુસાઇડ નોટમાં ઉધારીયાઓના નામ લખી જીંદગી ટૂંકાવી
અગ્ર ગુજરાત, ભાવનગર
ધંધામાં ઉધાર આપેલા પૈસા પરત નહી આવતા અને જે લોકો પૈસા લઇ ગયા હતા તે પરત નહી આપતા હોવાથી આર્થિક તંગીના કારણે અલંગ શીપ બ્રેકીંગના વેપારીએ મસ્જીદમાં ફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો અને સ્યુસાઇડ નોટમાં ઉધારીયાઓના નામ પણ લખતા ગયા છે.
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા યુસુફબાગમાં રહેતા અને અલંગમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા મુસ્તુભાઈ આહમદભાઈ જાકા (ઉંમર 50)એ જમનાકુંડ વિસ્તારમાં આવેલી KGN મસ્જિદમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા લાંબા સમયથી ધંધાકીય આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. બનાવની જાણ થતાં ગંગાજળિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં હોસ્પિટલ ખાતે અન્ય વેપારીઓ અને સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.
જ્યારે આ અંગે મૃતકના પુત્ર જુનેદભાઈએ જણાવ્યુ હતુ કે, મારા પિતાએ જમનાકુંડ પાસે આવેલ મસ્જિદમાં સુસાઇડ કર્યું છે.મને આ બનાવની મારા સબંધી દ્વારા જાણ કરવામાં આવેલી હતી. અને મારા પિતા સ્ક્રેપનો ધંધો કરતા હતા. છેલ્લા 3 વર્ષથી મારા પિતાને પૈસા કોઈ દેતું ન હતું અને કોઈ ફોનમાં જવાબ આપતું ન હતું. એટલે મારા પિતાએ સુસાઇડ કર્યું છે, અને મારા પિતા સુસાઇડ નોટ પણ લખતા ગયા છે. જેની જેની પાસે પૈસા લેવાના છે. રકમ બોવ મોટી છે.આ રકમ લખતા ગયા છે. ત્યારે પોલીસ પાસે મારી માંગણી છે કે અમને ન્યાય આપે.
સ્ક્રેપ વેપારી આત્મહત્યાના બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંઘાલે જણાવેલ કે આ બનાવમાં મૃતક એ લખેલી સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.


