- મુન્ના ચોગઠે ડાયરામાં કર્યો રૂપિયાનો વરસાદ
- ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા પણ રહ્યા ઉપસ્થિત
- કિન્નર સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ઉડાવ્યા રૂપિયા
દેશભરમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારબાદ, 7 મેના રોજ ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ઉમેદવારો દ્વારા એન-કેન પ્રકારે મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
ત્યારે, ભાવનગરમાં પણ લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર તેજ થઈ ગયો છે, મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અન્ય રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે પ્રચારમાં લાગી ગયા છે. ભાવનગરમાં કિન્નર સમાજના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં અપક્ષ ઉમેદવાર દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર મુન્નાભાઈ ચોગઠ દ્વારા રૂપિયાનો વરસાદ કરતો હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર મુન્નાભાઈ ચોગઠ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલ વિડીયો ગઈકાલ રાત્રિના સમયનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મુન્નાભાઈ ડાયરાના સ્ટેજ ઉપર ચડી જાય છે અને રૂપિયા ઉડાડી રહ્યા છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણીયા પણ હાજર રહ્યા હતા. ભાવનગરના કુંભારવાડા માઢીયા રોડ પર કિન્નર સમાજ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકડાયરો યોજાયો હતો.


