- માર્કેટિંગ યાર્ડની બહાર પાથરણાવાળાઓને હટાવાયા
- શાકભાજી વેચતી મહિલાઓ સાથે ઝરી ચકમક
- એક મહિલાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડાઈ
ભાવનગર શહેરના માર્કેટિંગયાર્ડની બહાર મ.ન.પા ના દબાણ વિભાગની કાર્યાવાહીથી વેપારીઓમાં રોષ વ્યાપો હતો,માર્કેટિંગયાર્ડની બહાર પાથરણા પાથરી શાકભાજી વહેંચતા લોકો પર દબાણ વિભાગે કાર્યવાહી કરી હતી.શાકભાજી વહેંચી રહેલા તમામ લોકોના માલ સામાન જપ્ત કરાતા વેપારીઓ વચ્ચે ચકમક ઝરી હતી.મનપાની ટીમે શાકભાજી સહિતની વસ્તુઓ રસ્તા ઉપર ફેંકી દેતા મામલો ગરમાયો હતો,દબાણ હટાવ વિભાગની ટીમ સાથે શાકભાજી વહેંચતી મહિલાઓ સાથે બોલાચાલી થઈ હતી.એક મહિલાની તબિયત ખરાબ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
14 મે 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર સોમવારે દબાણ સેલની ટીમે ૩૦થી વધુ ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં તળાજા રોડ, રામમંત્ર મંદિરથી મહાવીર જૈન વિદ્યાલય સ્કૂલ સુધી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમજ 01 શેરડીના રસનું મશીન, 06 ખુરશી, 01 કાઉન્ટર, 01 કેબિન,01 ફ્રીઝ, 10 લોખંડના પાઈપ, 01 ટેબલ તથા અન્ય સમાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 04 શેડ, 02 મંડપ હટાવ્યા હતા તેમજ વગર મંજૂરીના 14 બોર્ડ જપ્ત કર્યા હતાં.
અગાઉ 34 દબાણ દૂર કર્યા
ભાવનગર શહેરના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર દબાણ સેલની ટીમે ૩૪ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા, જેમાં અજય સોસાયટી, તિલકનગર, સુભાષનગર રોડ પર ગેરકાયદેસર કરેલ 7 બાથરૂમ, 8 વંડી, 15 ઓટલા અને 3 પાકા મકાનનાં દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગને સાથે રાખીને દૂર કર્યા હતાં. તિલકનગરમાંથી રોડ પર કરેલ ગેરકાયદેસર 1 પાકી દિવાલ દુર કરી હતી તથા ખરાબો જપ્ત કર્યો હતો. લાંબા સમયથી ગેરકાયદે દબાણ હતાં તેને લઈ મનપાએ લાલ આંખ કરી હતી.

દબાણ ટીમ આકરા પાણીએ
મહાપાલિકાની ટીમે ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો અને દોડધામ મચી જવા પામી હતી. નાના દબાણ હટાવવામાં આવે છે પરંતુ મોટા દબાણ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે મહાપાલિકાએ મોટા દબાણ હટાવવા પણ લાલ આંખ કરવી જરૂરી છે.


