- યુનિ. પાસેની સ્વામી સહજાનંદ કોલેજની કેન્ટીનની ફરિયાદ
- વિદ્યાર્થીઓ પાસે રૂપિયા 10ની વસ્તુના રૂપિયા 15 વસૂલવામાં આવતા
- NSUI દ્વારા લેખિતમાં કરવામાં આવી રજૂઆત
ભાવનગર શહેરમાં ખાનગી કોલેજને NSUI દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર શહેરમાં ખાનગી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદોના આધારે NSUIએ અલ્ટીમેટમ આપ્યું છે.
વિદ્યાર્થીઓ પાસે 10 રૂપિયાની વસ્તુના 15 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ
ખાનગી કોલેજમાં MRP કરતા પણ વધુ ભાવ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે, જેને લઈ NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટી પાસે આવેલી સ્વામી સહજાનંદ કોલેજની કેન્ટિંગ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસે 10 રૂપિયાની વસ્તુના 15 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની અને રૂપિયા 15ની વસ્તુના 20 રૂપિયા વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
NSUI દ્વારા ખાનગી કોલેજને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
આ સમગ્ર ઘટનાનો એક વિદ્યાર્થીએ વીડિયો ઉતારેલો હતો અને વીડિયો વાયરલ થતા NSUI દ્વારા લેખિતમાં કોલેજોને રજૂઆત કરવામાં આવી છે અને NSUI દ્વારા ખાનગી કોલેજને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે ખાનગી કોલેજ દ્વારા ખુલ્લેઆમ ડબલ ભાવ વસૂલવામાં આવે છે તેમ છતાં ભાવનગરનું ગ્રાહક સુરક્ષા વિભાગ મૌન બનીને તમાશો જોઈ રહ્યું છે.
અમદાવાદ યુનિવર્સિટી બહાર પણ NSUIનો વિરોધ
આજે અમદાવાદ યુનિવર્સિટી બહાર પણ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફી વધારાને લઈ NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. NSUIએ કહ્યું કે મેડિકલ કોલેજ કરતા આર્ટસમાં વધુ ફી છે. ત્યારે વિરોધના પગલે યુનિવર્સિટીની બહાર પોલીસ અને સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવાયો હતો અને વિરોધ કરી કરેલા NSUIના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.
ત્યારે કોમ્યુનિકેશન ઓફિસરે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું કે 34 ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીએ છીએ અને મેરીટ બેઝ એડમિશન આપવામાં આવે છે. અમારી યુનિવર્સિટી ખાનગી છે તે માટે ફી વધારે છે અને યુનિવર્સિટીમાં સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી.


