ઓરિસ્સાની રાજધાની કહેવાતા ભુવનેશ્વરમાં ઘણાંય પ્રાચીન અને અર્વાચીન મંદિરો આવેલાં છે. ભુવનેશ્વરને પૂર્વના `કાશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં આવેલાં મંદિરોના દર્શનાર્થે ભારતભર અને દુનિયાભરના લોકો આવે છે. ભુવનેશ્વરનું નામ સંસ્કૃત નામ ત્રિભુવનેશ્વરમાંથી લેવામાં આવ્યું છે. અલબત્ત, ત્રણેય લોકોના ભગવાન એટલે શિવ! તેથી જ અહીં મોટાભાગનાં મંદિરોમાં શિવમંદિરો વિશેષ જોવા મળે છે. અહીં શિવમંદિરો સિવાય પણ અન્ય ભગવાનનાં મંદિરો આવેલાં છે.
ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર
ભુવનેશ્વર શહેરમાં આવેલું લિંગરાજ મંદિર સૌથી પ્રાચીન મંદિરો પૈકીનું એક મોટું મંદિર છે. લિંગરાજ મંદિર નામથી જ પ્રતીત થાય છે કે તે ભગવાન શિવજીને જ સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ સાતમી સદીમાં રાજા જાજતિ કેસરી દ્વારા કરવામાં આવ્યું હતું. લિંગરાજ મંદિર ભુવનેશ્વરનું ખૂબ જ પુરાણું મંદિર છે અને અહીં ભગવાન શિવજીની હરિહરના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે, જે ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુનું એમ બંનેનું રૂપ ગણવામાં આવે છે. મૂળ આ મંદિર કલિંગ અથવા દેઉલા શૈલીની વાસ્તુકલાનું પ્રતિનિધિત્વ કરે છે. લિંગરાજ મંદિર મુખ્ય ચાર ભાગમાં પડે છે. જેમાં ગર્ભગૃહ, યજ્ઞશાળા, ભોગમંડપ અને નાટ્યશાળાનો સમાવેશ થાય છે. આ મંદિરના આંગણામાં દેવી ભગવતીજીનું પણ નાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે.
રાજારાની મંદિર
11મી સદીમાં બાંધવામાં આવેલું આ મંદિર મૂળ રીતે `પ્રેમમંદિર’ તરીકે સવિશેષ ઓળખવામાં આવે છે, કારણ કે આ મંદિરમાં સ્ત્રીઓ અને અન્ય યુગલોનું કામુક નક્શીકામ કરવામાં આવેલું છે. આ મંદિર લિંગરાજ મંદિરની સરખામણીમાં ઘણું નાનું છે. આ મંદિરની વાસ્તુકલા કલિંગની છે, જે પહેલી નજરે જ મન મોહી લે એવી છે. આ મંદિરની મૂર્તિઓ ભગવાન શિવજી અને માતા પાર્વતીના વિવાહને દર્શાવે છે. મંદિરની અન્ય મૂર્તિઓ પણ કલાત્મક રીતે અને આકર્ષક રીતે કંડારવામાં આવી છે.
પરશુરામેશ્વર મંદિર
આ મંદિર ખાસ કરીને ઉડિયા શૈલી સ્થાપત્યકલાનું એકદમ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. પરશુરામેશ્વર મંદિર ૭મી અને ૮મી શતાબ્દી વચ્ચે બનાવવામાં આવેલું હતું. આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે, આ મંદિરના પરિસરના ઉત્તર-પશ્ચિમ ખૂણે એક હજાર શિવલિંગો છે. આ મંદિરમાં શિવલિંગો ઉપરાંત ભગવાન ગણેશજી, માતા પાર્વતી અને ભગવાન શિવજીની સુંદર રીતે કંડારવામાં આવેલી મૂર્તિઓ પણ જોવા મળે છે. પરશુરામેશ્વર મંદિરની વિશેષ દેખરેખ માટે ભારતીય પુરતત્ત્વ સર્વેક્ષણ ખાતું નીમવામાં આવેલું છે.
બ્રહ્મેશ્વર મંદિર
આ મંદિર વિશે એવું ચર્ચાય છે કે, કોલાવતી દેવીએ પોતાના દીકરા, ઉદ્યોતકસરીના શાસનકાળ દરમિયાન 11મી સદીની આસપાસ આ મંદિર બનાવવામાં આવ્યું હતું. બ્રહ્મેશ્વર મંદિર પણ ઉડિયા શૈલીને સમર્પિત છે. આ મંદિરની વાસ્તુકલા પણ અચરજ પમાડે એવી છે. મૂળ આ મંદિર અન્ય ચાર નાનાં-નાનાં મંદિરોથી ઘેરાયેલું છે. બ્રહ્મેશ્વરના મુખ્ય મંદિરમાં શિવલિંગ છે અને તેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીજીની મૂર્તિઓ પણ જોવા મળે છે. આ મંદિરમાં દરરોજ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. તેમજ વાર-તહેવારમાં અને ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભારતભરના લોકો ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે.
મુક્તેશ્વર મંદિર
દસમી સદીમાં બનાવવામાં આવેલું મુક્તેશ્વર મંદિર પણ ભગવાન શિવજીને સમર્પિત છે. આ મંદિરમાં જે શૈલી અપનાવવામાં આવી છે તે કલિંગ શૈલી છે. કલિંગની શૈલી તે સમયે વધુ ચર્ચામાં રહેતી હતી. આ મંદિરમાં કરવામાં આવેલી કોતરણીઓ કોઇનું પણ મન મોહી લે એવી છે. મંદિરની મુખ્ય વિશેષતામાં મંદિરમાં બનાવવામાં આવેલું તોરણ તેમજ સ્ત્રીઓના ઘરેણાં અને અન્ય કલાત્મક ડિઝાઈનનો સમાવેશ થાય છે. આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ તો છે જ સાથે સાથે પંચતંત્ર સાથે સંકળાયેલી વાર્તાઓને પણ અહીં સુંદર કલાત્મક રીતે મૂર્તિઓમાં કંડારવામાં આવી છે.
રામ મંદિર
ભુવનેશ્વરમાં આવેલા રામ મંદિરમાં માત્ર ભગવાન રામની જ મૂર્તિ નહીં, પરંતુ સાથે સાથે માતા સીતા અને ભગવાન રામના ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિ જોવા મળે છે. આ મંદિરમાં શિવજી અને હનુમાનજીનાં મંદિરો પણ જોવા મળે છે. મૂળ આ મંદિરમાં વહેલી સવારે જે આરતી કરવામાં આવે છે તે આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ વહેલી સવારે અહીં ઉપસ્થિત થઇ જાય છે. આ આરતી જોવા અને સાંભળવા આસાપસના રાજ્યના લોકો પણ અહીં શ્રદ્ધાભેર આવતા હોય છે. આ મંદિરની અન્ય એક ખાસિયત છે કે આ મંદિરનું શિખર શહેરના અન્ય સ્થાનેથી પણ જોવા મળે છે.
અનંત વાસુદેવ મંદિર
13મી સદીમાં બનેલું અનંત વાસુદેવ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. ભુવનેશ્વર શહેરમાં વસતા મોટાભાગના લોકો શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા છે. આ મંદિર વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું છે. ભુવનેશ્વરનું આ અનંત વાસુદેવ મંદિર પ્રસિદ્ધ લિંગરાજ મંદિર સાથે મળતું આવે છે. જોકે, અહીં વૈષ્ણ મૂર્તિઓ જોવા મળે છે. આ મંદિરના ગર્ભગૃહમાં જોવા મળતી મૂર્તિઓ ગ્રેનાઇટ પથ્થરથી બનેલી છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે ભુવનેશ્વરનાં મંદિરોના દર્શનાર્થે હવાઇમાર્ગે જવાની પસંદગી કરતા હોવ તો નજીકનું એરપોર્ટ બીજું પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીંથી ભુવનેશ્વરનાં મંદિરો માટે સરકારી વાહનો અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે. જો તમે રેલમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન ન્યૂ ભુવનેશ્વર રેલવે સ્ટેશન છે. અહીંથી તમને ભુવનેશ્વરનાં મંદિરો જવા માટે ખાનગી અને સરકારી વાહનો સરળતાથી મળી જાય છે. આ સિવાય જો તમે રોડ માર્ગે અહીં આવવા માંગતા હોવ તો ઓરિસ્સાના આસપાસનાં રાજ્યોથી ઘણી સરકારી બસો અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.