- કચ્છમાં આજે એક કલાકનાં સમયગાળામાં ભૂકંપના બે આંચકાનો અનુભવ થયો
- આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 100 કિ.મી. દૂર પાકિસ્તાન સીમામાં નોંધાયું
- એક કલાકના સમય ગાળામાં ભૂકંપના બે આંચકાથી ધરા ધ્રૂજી ઉઠી હતી
કચ્છમાં આજે બુધવારનાં એક કલાકનાં સમયગાળામાં ભૂકંપના બે આંચકાનો અનુભવ થયો હતો. ધોળાવીરાથી 100 કિ.મી. દૂર પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો 2.8ની તીવ્રતાનો તેમજ ભચાઉ નજીક 2.7 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી જિલ્લા કચ્છમાં ભૂસ્તરીય હિલચાલ જારી રહેવા પામી છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, આજે બુધવારનાં બપોરનાં 4.41 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જે આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 100 કિ.મી. દૂર પાકિસ્તાન સીમામાં નોંધાયું હતું. જ્યારે બીજો આંચકો સાંજના 5.55 કલાકે ભચાઉથી 14 કિ.મી. દૂર 2.7 નો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આમ એક કલાકના સમય ગાળામાં ભૂકંપના બે આંચકાથી ધરા ધ્રૂજી ઉઠી હતી.


