- BCCIએ ઈશાન કિશન અને શ્રેયસ ઐયર પર મોટી કાર્યવાહી કરી છે
- કિશન અને ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી હટાવાયા
- BCCI ઈશાન કિશન અને શ્રેયસ ઐયરના વલણથી નારાજ
BCCIએ મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી હટાવી દીધા છે. સતત ચેતવણીઓ છતાં, ઈશાન કિશન અને શ્રેયસ ઐયરે રણજી ટ્રોફીની અવગણના કરી. હવે બંને ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. BCCIએ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની નવી યાદી બહાર પાડી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને પણ A+ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 6 ખેલાડીઓને A ગ્રેડમાં, 5 ખેલાડીઓને B ગ્રેડમાં જ્યારે 15 ખેલાડીઓને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
કિશન-ઐયરથી નારાઝ છે BCCI
BCCI ઈશાન કિશન અને શ્રેયસ ઐયરના વલણથી નારાજ છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ કિશનને સતત પુનરાગમન કરવા અને રણજી ટ્રોફી રમવાની સૂચના આપવામાં આવી રહી હતી. પરંતુ કિશને BCCIની અવગણના કરી અને ઝારખંડ તરફથી એક પણ રણજી મેચમાં ભાગ લીધો ન હતો. BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેલાડીઓ નેશનલ ટીમમાં નથી તેઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવો પડશે.
ઐયર અને કિશન પર સંકટના વાદળો છવાયા
જોકે, શ્રેયસ ઐયર એક અલગ જ વિવાદમાં ફસાઈ ગયો. ખરાબ પ્રદર્શનના કારણે ઐયરને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ઐયરે રણજી ટ્રોફી ન રમવા માટે ઈજાનું બહાનું બનાવ્યું હતું. પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીએ ઐયરના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. NCA એ સ્પષ્ટ કર્યું છે કે ઐયર ફિટ છે અને તેને રમવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.
જોખમમાં છે ઐયર અને કિશનનું ભવિષ્ય
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે ટીમ ઈન્ડિયામાં ઐયર અને કિશનનું ભવિષ્ય પણ જોખમમાં છે. રોહિત શર્માએ હાલમાં જ સ્પષ્ટ કર્યું છે કે ટીમ મેનેજમેન્ટ એવા ખેલાડીઓ પર પોતાનો સમય બગાડે નહીં જેઓ રમવા માટે ભૂખ્યા નથી. આ બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરીને BCCIએ એવો સંદેશ પણ આપ્યો છે કે ડોમેસ્ટિક ક્રિકેટને કોઈપણ કિંમતે અવગણી શકાય નહીં.


