- અમેરિકાની કોર્ટમાં ગૂગલનો પરાજય
- એપસ્ટોરના મામલે કેસમાં 200 અબજ ડોલરના માર્કેટને ખતરો
- ગૂગલે કમિશનની તગડી કમાણી ગુમાવવી પડશે
ફેડરલ કોર્ટની જ્યુરી દ્વારા સોમવારે એપિક ગેમ્સનાં સર્જકો ફોર્ટનાઈટ સામેનાં કેસમાં ગૂગલનો પરાજય થયો હતો. આને કારણે 200 અબજ ડૉલરનાં એપ સ્ટોર ઉદ્યોગ સામે ખતરો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ફેડરલ જ્યુરીએ આ કેસમાં ગૂગલ સામે ખોટી રીતે એપ સ્ટોરનું રક્ષણ કરવાનો અને 30 ટકા જેટલું તગડું કમિશન લેવાનાં આરોપો લગાવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે ગૂગલ એન્ડ્રોઈડ એપ સ્ટોરને એન્ટિકોમ્પિટિટીવ દ્વારા રક્ષણ આપવાનાં કારણે સ્માર્ટફોન યુઝર્સ તેમજ સોફ્ટવેર ડેવલપર્સને ભારે નુકસાન થયું છે. કોર્ટમાં ચાર અઠવાડિયા ચાલેલી ટ્રાયલમાં સમગ્ર મુદ્દો ગૂગલ પ્લે સ્ટોરની તગડી પેમેન્ટ સિસ્ટમની આસપાસ ઘૂમરાયો હતો.
ગૂગલનાં એન્ડ્રોઈડ સોફ્ટવેર દ્વારા કરોડો લોકોએ પ્લે સ્ટોર્સમાંથી તેમની મનપસંદ એપ્સ ડાઉનલોડ કરી હતી અને ઈન્સ્ટોલ કરી હતી જેનાં દ્વારા ગૂગલ એપ સ્ટોર અને ગૂગલને તગડી કમાણી થઈ હતી. ગૂગલનો પરાજય થતા હવે તેણે સોફ્ટવેર ડેવલપર્સ તેમજ પ્લે સ્ટોરનાં કમિશન પેટે થતી અબજો ડોલરની કમાણીમાંથી તગડો નફો ગુમાવવો પડશે. ગૂગલનાં પરાજય સાથે એપ સ્ટોરનો એકાધિકાર ખતમ થઈ જશે જેના દ્વારા વર્ષે આશરે 200 અબજ ડૉલરની આવક કરવામાં આવે છે. કોર્ટે ગૂગલ સામે આરોપો લગાવ્યા હતા કે તેનાં દ્વારા ગેરવાજબી રીતે વેપાર રીતિનો ઉપયોગ કરાયો હતો અને તેની મોનોપોલીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
એપિક ગેમ્સ દ્વારા ગૂગલ સામે કેસ
લોકપ્રિય ફોર્ટનાઈટ વીડિયો ગેમ્સનાં સર્જક એપિક ગેમ્સ દ્વારા આ મામલે ગૂગલ સામે 3 વર્ષ પહેલા કેસ કરાયો હતો. ગૂગલ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને તેનાં પ્લે સ્ટોરને સ્પર્ધા સામે રક્ષણ આપવાનો ગૂગલ સામે આરોપ લગાવાયો હતો. આને કારણે ગૂગલ અને એપ સ્ટોરને વર્ષે અબજો ડોલરની કમાણી થઈ હતી. એપલ દ્વારા તેનાં આઈફોન એપ સ્ટોરને રક્ષણ આપવામાં આવ્યું હતું અને એપ્સમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરું થાય એટલે તેનાં પર 15 ટકાથી 30 ટકા જેટલું ઊંચું કમિશન લેવામાં આવતું હતું. ગૂગલ પ્લે સ્ટોર અંગેની તેમની ગેરકાનૂની વેપાર રીતિનાં સંદર્ભમાં હવે શું કરે છે તે જોવાનું રહેશે. જજે આ મુદ્દે વધુ સુનાવણી જાન્યુઆરીનાં બીજા અઠવાડિયામાં હાથ ધરવાનો
નિર્ણય લીધો છે.
એન્ડ્રોઈડ OSનો સ્માર્ટ ફોન બજારમાં 70 ટકા હિસ્સો
એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ વિશ્વના સ્માર્ટફોન માર્કેટમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. ગૂગલે આક્રમકતાપૂર્વક એવી ગોઠવણ કરી હતી કે ગૂગલ પ્લે સ્ટોર મારફતે જ તમામ પ્રકારના થર્ડ પાર્ટી પેમેન્ટ થતા હતા. એપ સ્ટોરની મોટાભાગની આવક વીડિયો ગેમ મારફતે થતી હતી. આથી એપિક ગેમ્સ દ્વારા પોતાની મોબાઈલ ગેમ દ્વારા પણ પેમેન્ટ થઈ શકે તેવી માગણી કરવામાં આવી હતી.
શું હતો મામલો?
વાસ્વતમાં આ કેસનાં બીજ 2020માં રોપાયાં હતા. તે વખતે એપલ અને ગૂગલ પ્લે દ્વારા ફોર્ટનાઈટને એપ સ્ટોરમાંથી હટાવવામાં આવ્યા હતા. ગેમ ડેવલપર્સ દ્વારા તે વખતે ગુપ્ત રીતે પોતાની કમિશન લેવાની સિસ્ટમ વિકસાવવામાં આવી હતી. બંને કંપનીઓ દ્વારા તેની એપ ખરીદનાર પાસેથી કમિશન અને સબસ્ક્રિપ્શન પેટે 30 ટકા રકમ વસૂલ કરવામાં આવતી હતી. જેનો લાભ એપિકને ન મળે તે માટે તેને હટાવી દેવામાં આવી હતી. એપિકને આની જાણ થતા તેણે આ બંને કંપનીઓ સામે કેસ કર્યો હતો.


