ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મહિલા ખેલાડીઓ માટે પોતાની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા T20I રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગઈ છે. આ દરમિયાન, સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે. તેણીએ બેટ્સમેનોની ODI રેન્કિંગમાં નંબર-1 સ્થાન ગુમાવ્યું છે. એક સ્ટાર દક્ષિણ આફ્રિકાની બેટ્સમેન તેને પાછળ છોડી દીધી છે. આ ખેલાડીએ તાજેતરમાં ઘરઆંગણે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દીપ્તિ શર્માએ પહેલી વાર આ સિદ્ધિ હાંસલ કરી
દીપ્તિ શર્માને પહેલી વાર T20I બોલિંગ રેન્કિંગમાં નંબર-1નો તાજ પહેરાવવામાં આવ્યો છે.તેણીએ વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામેની T20I સીરિઝની પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ લીધી હતી, જેનાથી તેણીના રેટિંગમાં સુધારો થયો હતો.અગાઉ,આ સ્થાન ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ પાસે હતું, પરંતુ હવે દીપ્તિએ તેને પાછળ છોડી દીધું છે. દીપ્તિની કારકિર્દીમાં આ એક મોટી સિદ્ધિ છે.
લૌરા વોલ્વાર્ડે મંધાનાનું સ્થાન લીધું
બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ODI બેટિંગ રેન્કિંગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણીએ આયર્લેન્ડ સામેની ઘરઆંગણેની ODI શ્રેણીની છેલ્લી બે મેચમાં સદી ફટકારીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. આ પ્રદર્શનથી તેણીએ કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ મેળવ્યું અને ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પાછળ છોડીને નંબર વન બની. લૌરા વોલ્વાર્ડ અગાઉ આ સ્થાન પર રહી હતી.
ભારતીય બેટ્સમેન ટોપ 10માં
આ અપડેટ ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર લાવે છે. T20 બેટિંગમાં, જેમીમા રોડ્રિગ્સ શ્રીલંકા સામેની અણનમ અડધી સદીને કારણે પાંચ સ્થાન ઉપર આવી અને ટોપ 10માં પ્રવેશ કર્યો, જે હવે નવમા ક્રમે છે. તેણીની સાથે સ્મૃતિ મંધાના ત્રીજા ક્રમે અને શેફાલી વર્મા દસમા ક્રમે છે. દરમિયાન, અરુંધતી રેડ્ડી પણ બોલિંગમાં પાંચ સ્થાન ઉપર ચઢીને 36મા ક્રમે પહોંચી ગઈ છે.


