- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાના નેતૃત્વ હેઠળ બેઠક યોજાઈ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ મંકી પોક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે: પીકે મિશ્રા
- મંકી પોક્સ ચેપગ્રસ્ત દર્દી સાથે લાંબા સમય સુધી અને નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંકી પોક્સને લઈને ઈમરજન્સી જાહેર કર્યા બાદ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. મીટીંગમાં ભારતમાં મંકી પોક્સ અંગે ચાલી રહેલી તૈયારીઓની સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ મંકી પોક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે
બેઠક બાદ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ મંકી પોક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મીટિંગ બાદ પીકે મિશ્રાએ કહ્યું કે દેશમાં મંકી પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી અને તેનું વ્યાપક પ્રમાણમાં ફેલાવવાનું જોખમ ઓછું છે. મીટીંગમાં મંકી પોક્સના કેસ શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવા માટે મોનિટરીંગની જરૂરી સલાહ આપવામાં આવી છે. આ સાથે ટેસ્ટિંગ લેબને તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યુ છે. આ રોગ સામે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.
આફ્રિકામાં કેસ ઝડપથી વધી રહ્યા છે
WHOએ આફ્રિકાના ઘણા ભાગોમાં તેના વ્યાપ અને ફેલાવાને ધ્યાનમાં રાખીને 14 ઓગસ્ટ 2024ના રોજ ફરીથી મંકી પોક્સ પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) જાહેર કરી હતી. મધ્ય અને પૂર્વ આફ્રિકામાં ચેપી મંકી પોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, આફ્રિકાની બહાર મંકી પોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
વડાપ્રધાનના મુખ્ય સચિવને જાણ કરવામાં આવી હતી કે મંકી પોક્સ ચેપ સામાન્ય રીતે 2-4 અઠવાડિયા વચ્ચે સ્વયં-સીમિત હોય છે. મંકી પોક્સ ધરાવતા દર્દીઓ સામાન્ય રીતે ડોક્ટરની સંભાળથી સ્વસ્થ થઈ જાય છે. મંકી પોક્સ ચેપગ્રસ્ત દર્દી સાથે લાંબા સમય સુધી અને નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે.
ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ કેસ નોંધાયા
WHOના અગાઉના નિવેદન મુજબ 2022થી વૈશ્વિક સ્તરે 116 દેશોમાં મંકી પોક્સના કારણે 99,176 કેસ નોંધાયા હતા અને 208 લોકોના મોતથયા હતા. આ પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મંકી પોક્સના કેસ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે નોંધાયેલા કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની સંખ્યા ગયા વર્ષની કુલ સંખ્યાને વટાવી ગઈ છે. જેમાં 15,600થી વધુ કેસ અને 537 લોકોના મોતનો સમાવેશ થાય છે.