- મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો ખુલાસો
- કડી, જોરણગ, લાંઘણજ, આખજ અને સાલડી ગામના લોકો
- કિરણ પટેલ ગેરકાયદે અમેરિકા લઈ જવાનો માસ્ટર માઈન્ડ છે
ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો છે. કિરણ પટેલ ગેરકાયદે અમેરિકા લઈ જવાનો માસ્ટર માઈન્ડ છે. મહેસાણા જિલ્લાના 15 લોકો પ્લેનમાં સવાર હોવાનો ખુલાસો થયો છે.
કડી, જોરણગ, લાંઘણજ, આખજ અને સાલડી ગામના લોકો
કડી, જોરણગ, લાંઘણજ, આખજ અને સાલડી ગામના લોકો છે. જેમાં ફ્રાન્સમાં પ્લેન અટકાવ્યા બાદ કબૂતરબાજીનો મામલો સામે આવ્યો છે. માનવ તસ્કરીની આશંકાથી ચાર દિવસ પહેલા ફ્રાંસમાં રોકાયેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન 276 મુસાફરો સાથે ભારત પહોંચ્યું હતું, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. એરક્રાફ્ટ એરબસ A340 એ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પરથી બપોરે 2.30 વાગ્યે ઉડાન ભરી હતી અને મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું.
વિટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની શંકાના આધારે અટકાયત થઇ હતી
વાસ્તવમાં ચાર દિવસ પહેલા નિકારાગુઆ જઈ રહેલી રોમાનિયન કંપનીની ફ્લાઈટને ફ્રાન્સ નજીકના વેટ્રી એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. 303 મુસાફરોને લઈને ચાર્ટર પ્લેન દુબઈ, સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. તેને 21 ડિસેમ્બરે પેરિસથી 150 કિમી પૂર્વમાં વિટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની શંકાના આધારે અટકાવવામાં આવી હતી. ફ્રેન્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લેન મુંબઈ માટે ટેકઓફ થયું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા અને બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે તે ફ્રાન્સની ધરતી પર હતા. ફ્રેન્ચ મીડિયા હાઉસના જણાવ્યા અનુસાર, બે સગીરોને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને સાક્ષી બનાવીને છોડી દેવામાં આવ્યા હતા.
મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા
અધિકારીના જણાવ્યા અનુસાર મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા. તેમજ એન્ટ્રી હોલને પણ આવરી લેવામાં આવ્યો હતો. પોલીસે આ વિસ્તારમાં અન્ય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે શુક્રવારે અટકાયતમાં લેવાયેલા બે મુસાફરોને શનિવારે ફરીથી 48 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી.


